
જો તમે આગામી દિવસોમાં ક્યાંય બહાર જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો પહેલા હવામાન વિભાગની આ ચેતવણી ખાસ વાંચી લેજો. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા દેશના અનેક રાજ્યોમાં આગામી 7 દિવસ સુધી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે હાલમાં દેશના અલગ-અલગ વિસ્તારોમાં એકસાથે 7 જેટલા સાયક્લોનિક સર્ક્યુલેશન (ચક્રવાતી પરિભ્રમણ) સક્રિય થયા છે. આ સિસ્ટમની અસરને કારણે દિલ્હી, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત સહિતના વિસ્તારોમાં મૂશળધાર વરસાદ ખાબકવાની પૂરી સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અત્યારે ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ, દક્ષિણ તમિલનાડુ અને પુડુચેરી, દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તર-પૂર્વ બિહાર અને તેની આસપાસના સિક્કિમ તથા બંગાળના હિમાલયી વિસ્તારોમાં સાયક્લોનિક સિસ્ટમ બનેલી છે. આ ઉપરાંત મધ્ય આસામ, ઉત્તર-પૂર્વ બાંગ્લાદેશ અને દક્ષિણ આંતરિક કર્ણાટકની આસપાસ પણ ચક્રવાતી પરિભ્રમણ સક્રિય છે જે વાતાવરણમાં મોટો પલટો લાવી રહ્યા છે.
5 થી 11 ઓગસ્ટ વચ્ચે હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ વરસાદની આગાહી છે, જેમાં ઉત્તરાખંડમાં ભારે વીજળી પડવાનું પણ એલર્ટ છે. દિલ્હી NCR, હરિયાણા, ચંદીગઢ તેમજ પૂર્વ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 5 અને 6 ઓગસ્ટે ભારે વરસાદ પડી શકે છે. જ્યારે રાજસ્થાનના પૂર્વ ભાગમાં 7 અને 8 ઓગસ્ટ અને પશ્ચિમ ભાગમાં 8 અને 9 ઓગસ્ટે મેઘરાજા મહેર કરી શકે છે.
મધ્ય અને પૂર્વ ભારતની સ્થિતિ
પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 5-6 ઓગસ્ટ અને 10-11 ઓગસ્ટે, જ્યારે પૂર્વ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં 5 થી 8 ઓગસ્ટ સુધી વરસાદની શક્યતા છે. છત્તીસગઢમાં 5 થી 9 ઓગસ્ટ દરમિયાન ભારે વીજળી પડવાની દહેશત છે. વિદર્ભમાં પણ 5 ઓગસ્ટ અને 6 થી 11 ઓગસ્ટ વચ્ચે વરસાદ પડશે. ઝારખંડમાં 5 થી 8 અને 10-11 ઓગસ્ટે (9 ઓગસ્ટે છૂટોછવાયો) તથા બિહારમાં 5 થી 7 ઓગસ્ટે સારો વરસાદ પડશે (8 થી 11 ઓગસ્ટ સામાન્ય વરસાદ). ઓડિશામાં 7-8 ઓગસ્ટ અને 10-11 ઓગસ્ટે ભારે વરસાદનું એલર્ટ છે, જ્યારે આંદામાન અને નિકોબાર ટાપુઓ પર 5 થી 8 ઓગસ્ટ સુધી મૂશળધાર વરસાદની આગાહી છે.
