Site icon Time News

વલસાડમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 2 કલાકમાં 6 ઈંચ વરસ્યો, શહેરમાં જળબંબાકાર, શાળામાં રજા જાહેર

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતાં સવારથી જ મુશળધાર વરસાદ વરસાવ્યો છે. માત્ર બે કલાકમાં 6 ઈંચ જેટલો વરસાદ નોંધાતા શહેર અને આસપાસના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.  ભારે વરસાદના કારણે વલસાડ શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. છીપવાડ, દાણા બજાર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકો અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છીપવાડ અંડરપાસ પણ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ જતાં વાહન વ્યવહાર પ્રભાવિત બન્યો છે.

વરસાદની અસર માત્ર શહેર પૂરતી મર્યાદિત નથી રહી. વલસાડ-ભાગડાવાડા ગામને જોડતા માર્ગ પર પણ પાણી ભરાઈ જતાં વાહનચાલકો રસ્તામાં અટવાઈ ગયા હતા. અનેક સ્થળોએ ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી.  વલસાડ શહેરની સાયન્સ કોલેજના કેમ્પસમાં પણ વરસાદી પાણી ભરાઈ જતાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર અસર જોવા મળી હતી. શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.

ભારે વરસાદ અને હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ઉપરાંત શાળાના આચાર્યોને સ્થાનિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને જરૂરી જણાય તો રજા જાહેર કરવાની સત્તા પણ આપવામાં આવી છે.  હાલ જિલ્લામાં સતત વરસાદ ચાલુ રહેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા વધી રહી છે. તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.

Exit mobile version