Site icon Time News

રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત, તાપમાનમાં 3 ડિગ્રીનો થશે ઘટાડો

રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકોને આંશિક રાહત મળશે. હવામાન વિભાગે આ આગાહી કરી હતી. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 3 દિવસ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થશે. અમદાવાદમાં છેલ્લા ચાર દિવસની સરખામણીએ બુધવારે ગરમીમાં આંશિક ઘટાડો થતા 42.6 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું છે. 

આગામી 3 દિવસ પણ શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રીની આસપાસ જ રહેશે. બુધવારે 43 ડિગ્રી સાથે રાજકોટમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે. રાજકોટ ઉપરાંત સાત શહેરોમાં 40 ડિગ્રીથી વધુ ગરમી નોંધાઈ છે. જેમાં ગાંધીનગરમાં 42.2, અમરેલીમાં 42.1, વડોદરામાં 40.2, ડીસામાં 40.2 ભાવનગરમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બપોરના સમયે આકરા તાપના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તો અસહ્ય તાપના કારણે માથું દુખાવું, ચક્કર આવવા, ઝાડા ઉલટીના કેસ તેમજ ડીહાઈડ્રેશન અને હીટ સ્ટ્રોકના કેસમાં વધારો થયો છે. 

અમદાવાદની સોલા સિવિલમાં એક સપ્તાહમાં 11,788 ઓપીડી નોંધાઈ છે. જે આંકડાઓ ચિંતાજનક છે. ગરમીની સાથે મચ્છરજ્ન્ય રોગચાળો પણ વકર્યો છે. ડેન્ગ્યુમાં 154 સેમ્પલ લેવામાં આવ્યા જેમાં ચાર દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે મેલેરિયામાં 470 સેમ્પલમાંથી ચાર પોઝિટિવ કેસ અને સ્વાઈન ફ્લૂમાં એક દર્દી પોઝિટિવ નોંધાયો છે. અસહ્ય ગરમી અને લૂ થી બચવા માટે તબીબોએ નાગરિકોને વિશેષ સાવચેતી રાખવા અપીલ કરી હતી. તો બપોરના 12:00 વાગ્યાથી લઈને ચાર વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવું સતત પાણી પીતા રહેવું, લીંબુ પાણી, છાશ તેમજ નાળિયેરનું પાણી પીવું જોઈએ.

Exit mobile version