
જૂનાગઢના ગિરનાર પર્વત પર શનિવારે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગિરનારની યાત્રા દરમિયાન માત્ર 50 જેટલા પગથિયા ચઢ્યા બાદ 12 વર્ષના એક કિશોર પર સિંહે અચાનક હુમલો કર્યો હતો. ઘટનાની ગંભીરતા એટલી હતી કે સિંહ બાળકને પરિવારના સભ્યોના હાથમાંથી જ ખેંચીને નજીકના જંગલ તરફ લઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ અને સ્થાનિક તંત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયું હતું. જંગલ વિસ્તારમાં વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બાદમાં જંગલમાંથી બાળકના અવશેષો મળી આવ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજ ફરી વળ્યું હતું મૃતક બાળક ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પરિવાર સાથે ગિરનાર દર્શન માટે આવેલા બાળકનું આ રીતે કરુણ મોત થતાં પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે.
આ ઘટનાએ ફરી એકવાર ગિર અને આસપાસના વિસ્તારોમાં સિંહ-માનવ સંઘર્ષનો મુદ્દો ચર્ચામાં લાવ્યો છે. ઉપલબ્ધ માહિતી મુજબ રાજ્યમાં છેલ્લા છ મહિનામાં સિંહના હુમલામાં 10 લોકોના મોત થયા છે. જ્યારે છેલ્લા બે મહિનામાં જ આવી ઘટનાઓમાં પાંચ લોકોના જીવ ગયા હોવાનું નોંધાયું છે.
આંકડાઓ દર્શાવે છે કે સિંહના હુમલાથી માનવ મૃત્યુનો વાર્ષિક દર હાલમાં અંદાજે 3.8 ટકા સુધી પહોંચ્યો છે. અગાઉ 1980થી 2010 દરમિયાન આ દર આશરે 2 ટકા હતો. વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને વન્યજીવ નિષ્ણાતો અને વન વિભાગ માટે આ પડકાર વધુ ગંભીર બન્યો છે. વન વિભાગ સમગ્ર ઘટનાને લઇને વધુ સતર્ક બની છે સાથે જ ગિરનારની મુલાકાતે આવતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને સાવચેતી રાખવા તથા વન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
નોંધનિય છે કે, થોડા દિવસ પહેલા જ અમરેલી જિલ્લામાં જ મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં પણ હૃદયદ્રાવક ઘટના બની હતી. શાળામાંથી ઘરે પરત ફરી રહેલા એક માસૂમ બાળક પર દીપડાએ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જી દીધો છે.
નિષ્ણાતોનું માનવું છે કે જંગલ વિસ્તારની આસપાસ માનવ અવરજવર, જંગલી પ્રાણીઓના રહેણાંક વિસ્તારમાં દખલ અને મેટિંગ પીરિયડ દરમિયાન બેદરકારી જેવી બાબતોને કારણે આવી દુર્ઘટનાઓ વધી રહી છે. વન વિભાગે લોકોને જંગલ વિસ્તારમાં સાવચેતી રાખવા અને જંગલી પ્રાણીઓથી સુરક્ષિત અંતર જાળવવાની અપીલ કરી છે.
