Site icon Time News

મેડિકલ કોલેજમાં રેગિંગ મામલે આરોગ્ય મંત્રી એક્શનમાં, 6 સિનિયર વિદ્યાર્થીઓ સસ્પેન્ડ

અમદાવાદ બાદ હવે ભાવનગરની મેડિકલ કોલેજમાં રેગિંગના મામલે રાજ્ય સરકાર કડક વલણ અપનાવતી જોવા મળી રહી છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ રેગિંગની ફરિયાદ મળતા જ તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.મળતી માહિતી મુજબ, પીડિત વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે મંત્રીએ 24 કલાકની અંદર તપાસ પૂર્ણ કરીને જરૂરી પગલાં લેવા સૂચના આપી હતી. ત્યારબાદ કોલેજ પ્રશાસન અને સંબંધિત અધિકારીઓ દ્વારા સાંજે 5 વાગ્યાથી લઈને રાત્રિના મોડા કલાકો સુધી પુરાવાઓની તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન રેગિંગના આરોપો પ્રાથમિક રીતે સાચા જણાતા કોલેજ પ્રશાસને 6 સિનિયર તબીબી વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. આ કાર્યવાહી બાદ મેડિકલ કોલેજોમાં રેગિંગ વિરુદ્ધ સરકારના કડક સંદેશાની ચર્ચા થઈ રહી છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે, પોતાની શક્તિ, જ્ઞાન અને નેતૃત્વ ક્ષમતાનો ઉપયોગ સકારાત્મક કાર્યો માટે કરવો જોઈએ. રેગિંગ જેવી પ્રવૃત્તિઓથી દૂર રહીને સ્વસ્થ અને સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણ નિર્માણ કરવામાં સહયોગ આપવા જોઇએ.

રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, મેડિકલ કોલેજો સહિત કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં રેગિંગને કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં અને આવા કિસ્સાઓમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ, 18 જૂનના રોજ સાંજે 5 વાગ્યે શરૂ થયેલી એન્ટી-રેગિંગ કમિટીની બેઠક 19 જૂનની વહેલી સવારે 2 વાગ્યા સુધી ચાલી હતી. લગભગ 9 કલાકથી વધુ સમય સુધી ચાલેલી આ બેઠક દરમિયાન ઓર્થોપેડિક વિભાગના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષના વિદ્યાર્થીઓ, સંબંધિત ફેકલ્ટી સભ્યો તેમજ સપોર્ટ સ્ટાફના લેખિત નિવેદનો લેવામાં આવ્યા હતા. સાથે જ ઉપલબ્ધ તમામ દસ્તાવેજી પુરાવાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

તપાસ પૂર્ણ થયા બાદ એન્ટી-રેગિંગ કમિટીએ તમામ હકીકતો અને પુરાવાઓના આધારે દોષિત વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. કમિટીના આદેશ મુજબ દોષિત ઠરેલા તમામ વિદ્યાર્થીઓને સજાના સમયગાળા દરમિયાન તાત્કાલિક અસરથી હોસ્ટેલમાંથી દૂર કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને 19 જૂનની સાંજ સુધીમાં પોતાના રૂમ ખાલી કરીને કોલેજ તંત્રને જાણ કરવાની સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત સજાના સમયગાળા દરમિયાન સંબંધિત વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારની શૈક્ષણિક, ક્લિનિકલ, સંશોધન અથવા કોલેજની અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકશે નહીં.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ જણાવ્યું છે કે રાજ્યની કોઈપણ મેડિકલ કોલેજમાં રેગિંગ જેવી અસામાજિક, અમાનવીય અને અશિસ્તપૂર્ણ પ્રવૃત્તિ કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર વિદ્યાર્થીઓની સુરક્ષા, સન્માન અને સ્વસ્થ શૈક્ષણિક વાતાવરણ જાળવવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને રેગિંગ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે.

મંત્રીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર આરોગ્ય વિભાગ, નિયામક કચેરી અને ભાવનગર મેડિકલ કોલેજની એન્ટી-રેગિંગ કમિટીએ રાત્રિના 2 વાગ્યા સુધી સતત સંકલન સાથે કામગીરી કરી હતી. પીડિત વિદ્યાર્થીઓને ઝડપથી ન્યાય મળે તે માટે ફરિયાદની નિષ્પક્ષ તપાસ, પુરાવાઓનું મૂલ્યાંકન અને જવાબદારો સામે સમયબદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.

Exit mobile version