
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરીજનો માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી લગ્ન કે અન્ય પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ અથવા પાર્ટી પ્લોટનું બૂકિંગ કરાવવા માટે કંકોતરી કે આમંત્રણ પત્રિકા રજૂ કરવી ફરજિયાત હતી. આ નિયમના કારણે સમયસર બૂકિંગ ન મળવું અને સ્થળ નક્કી થયા વગર પત્રિકા છપાવવામાં લોકોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. હવે સ્થાયી સમિતિની બેઠકમાં બૂકિંગ માટે આમંત્રણ પત્રિકાનો પૂરાવો આપવાની શરત રદ કરવાનો નિર્ણય લેવાયો છે.
શહેરમાં આવેલા આશરે 92 જેટલા કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટનું સંચાલન નવી પોલિસી હેઠળ ખાનગી ડેકોરેશન કોન્ટ્રાક્ટરોને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. રમત-ગમતના સંકુલોની જેમ આ સુવિધાઓને પણ પીપીપી (PPP) મોડેલ પર આપવા અંગે સ્થાયી સમિતિની બેઠકમાં વિસ્તૃત ચર્ચા થઈ હતી. જોકે, આ આયોજનને હજુ આખરી મંજૂરી આપવામાં આવી નથી. તમામ હોલના ખર્ચ, આવક અને અન્ય ટેકનિકલ વિગતો એકત્ર કર્યા બાદ નવી પોલિસી જાહેર કરવામાં આવશે.
સ્થાયી સમિતિના જણાવ્યા મુજબ, વર્ષ 2018 પહેલા આ હોલ અને પાર્ટી પ્લોટનું સંચાલન ખાનગી કોન્ટ્રાક્ટરો પાસે હતું, જેનાથી કોર્પોરેશનને વાર્ષિક 10 કરોડ રૂપિયાની આવક થતી હતી. હાલમાં તમામ હોલની સુરક્ષા, લાઈટ અને સફાઈ પાછળ કોર્પોરેશનને વર્ષે 40 કરોડ રૂપિયાનો મોટો ખર્ચ કરવો પડી રહ્યો છે. આ નાણાકીય બોજ ઘટાડવા નવી નીતિ પર કામ ચાલી રહ્યું છે. સામાન્ય જનતાને વાજબી ભાવે સુવિધાઓ મળી રહે તે માટે ભાવ નિયંત્રણ સાથેના 3 અલગ-અલગ પેકેજ પણ તૈયાર કરવાની યોજના છે.
