
ગુજરાત માટે જુલાઈ 2026નો મહિનો આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ સારો સાબિત થયો છે. વિવિધ કરવેરામાંથી થતી આવકમાં નોંધપાત્ર ઉછાળો આવતાં રાજ્યની તિજોરી છલકાઈ ગઈ છે. રાજ્ય સરકારની મજબૂત આર્થિક પ્રવૃત્તિઓ અને વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે સતત વધી રહેલી સક્રિયતાના પરિણામે જુલાઈ માસ દરમિયાન રાજ્યના મહેસૂલમાં જંગી વધારો નોંધાયો છે.
જુલાઈ 2026 માં ગુજરાતની GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) ની આવકમાં મોટો વધારો જોવા મળ્યો છે. આ એક જ મહિનામાં રાજ્યની GST આવક રૂપિયા 8,418 કરોડ સુધી પહોંચી ગઈ છે, જે રાજ્યના વેપાર અને સેવા ક્ષેત્રની મજબૂત સ્થિતિ દર્શાવે છે. જીએસટી ઉપરાંત અન્ય કરવેરાના માધ્યમથી પણ રાજ્ય સરકારને સારું એવું મહેસૂલ મળ્યું છે. વેટ હેઠળ રાજ્યને રૂપિયા 3,105 કરોડની આવક થઈ છે. વિદ્યુત શુલ્ક પેટે રાજ્ય સરકારને રૂપિયા 1,020 કરોડ પ્રાપ્ત થયા છે. વ્યવસાય વેરા (Professional Tax) હેઠળ રૂપિયા 23 કરોડની આવક થઈ છે.
જીએસટી, વેટ, વિદ્યુત શુલ્ક તથા વ્યવસાય વેરાના તમામ સ્ત્રોતોને એકત્રિત કરતાં જુલાઈ 2026 ના માસમાં રાજ્ય સરકારને કુલ રૂપિયા 12,566 કરોડની ભવ્ય આવક થઈ છે. રાજ્યની તિજોરીમાં થયેલા આ જંગી રકમથી આગામી સમયમાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અને જનકલ્યાણના કાર્યોને વધુ વેગ મળશે.
