Site icon Time News

કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આકરા તાપની હવામાન વિભાગની આગાહી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતા અને પશ્ચિમ દિશાથી ફુંકાતા સૂકા પવનોને લીધે રાજ્યમાં આકરી ગરમી પડી રહી છે.હવામાન વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આગામી 24 કલાકમાં તાપમાનમાં હજુ બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે.

આકરા તાપને લીધે બપોરે 12થી 4 વાગ્યા સુધી શહેરોના રસ્તાઓ પર કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ન છુટકે બહાર નીકળતા વાહન ચાલકો મોઢે રૂમાલ, હેલમેટ અને ચશ્મા પહેરીને લૂથી બચવાનો પ્રયાસ કરતા નજરે પડી રહ્યા છે.

તાપના ટોર્ચરની વાત કરીએ તો સાત શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થયો છે. રાજકોટમાં સૌથી ઉંચુ 42.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

અમરેલીમાં 42.5 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 42.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં પણ આગ ઝરતી ગરમીને પગલે તાપમાન 41.5 ડિગ્રી પર પહોંચ્યું છે. ભૂજમાં 41.2 ડિગ્રી, વલ્લભવિદ્યાનગરમાં 40.1 ડિગ્રી અને ગાંધીનગરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું.

વડોદરા અને સુરતમાં 39.8 ડિગ્રી તો કેશોદમાં 39.3 ડિગ્રી અને ડીસામાં 39.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આગામી 26 એપ્રિલે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થવાનું છે. ત્યારે હવામાન વિભાગ મુજબ 26 એપ્રિલે વાતાવરણ એકદમ શુષ્ક રહેશે અને તાપમાનનો પારો 40થી 43 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે.

Exit mobile version