
ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સ્થિતિ અંગે હવામાન વિભાગે (IMD) લેટેસ્ટ આગાહી જાહેર કરી છે. જે મુજબ આગામી 14 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતના 10 જિલ્લાઓમાં આગામી 2 દિવસ એટલે કે 10 ઓગસ્ટ સુધી વીજળીના કડાકા-ભડાકા અને 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જોકે, રાહતની વાત એ છે કે આ સમયગાળા દરમિયાન ક્યાંય પણ અતિભારે વરસાદનું એલર્ટ નથી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 8, 9 અને 10 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળશે. અહી મેઘગર્જના, વીજળીના ચમકારા અને 30 થી 40 કિલોમીટરની ઝડપે સુસવાટા મારતા પવન સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. ખાસ કરીને બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. લોકોને કામ વગર બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા જણાવાયું છે.
બીજી તરફ, હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે કે 14 ઓગસ્ટ સુધીના 6 દિવસના સમયગાળા દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ માત્ર હળવોથી મધ્યમ વરસાદ જ નોંધાશે. આ દિવસો દરમિયાન સમગ્ર ગુજરાતમાં ભારે કે અતિભારે વરસાદ પડે તેવી કોઈ શક્યતા નહિવત્ છે. આથી, હવામાન વિભાગ દ્વારા કોઈપણ પ્રકારનું યલો (Yellow), ઓરેન્જ (Orange) કે રેડ (Red) એલર્ટ જારી કરવામાં આવ્યું નથી.
