Site icon Time News

ગાંધીનગરથી CM ભૂપેન્દ્ર પટેલે પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો, 82 લાખ બાળકોને પોલિયાની રસી અપાશે

Oplus_131072

ગુજરાતમાં ત્રણ દિવસીય પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગાંધીનગરથી CM ભૂપેન્દ્ર પટેલે આ રાજ્યવ્યાપી અભિયાનની શરૂઆત કરાવી હતી. અભિયાનના પ્રથમ દિવસે મુખ્યમંત્રીએ 10થી વધુ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવીને કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. રાજ્યના દરેક બાળક સુધી રસી પહોંચે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે.

આ અભિયાન હેઠળ આગામી ત્રણ દિવસમાં રાજ્યના અંદાજે 82 લાખ બાળકોને પોલિયોની રસી આપવામાં આવશે. ખાસ કરીને 0 થી 5 વર્ષ સુધીના તમામ બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવશે. આરોગ્ય વિભાગનું લક્ષ્ય છે કે રાજ્યનું એકપણ બાળક પોલિયોની રસી લીધા વગર ન રહે.

આરોગ્યમંત્રી ઋષિકેશ (પ્રફુલ) પાનસેરિયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં ત્રણ દિવસ દરમિયાન વિશેષ સર્વેલન્સ પણ હાથ ધરવામાં આવશે. રસીકરણથી કોઈ બાળક વંચિત ન રહે તે માટે આરોગ્ય વિભાગની ટીમો શહેરો, ગામડાઓ અને દૂરના વિસ્તારો સુધી પહોંચી બાળકોને પોલિયોના ટીપાં પીવડાવશે.

ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે વર્ષ 2007 બાદ રાજ્યમાં એકપણ બાળક પોલિયોગ્રસ્ત મળ્યું નથી. રાજ્યમાં સતત ચાલી રહેલા રસીકરણ અભિયાન અને આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે પોલિયો સામે સફળ નિયંત્રણ મેળવવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ પોલિયોની રસી માત્ર પોલિયો સામે જ નહીં પરંતુ બાળકોના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. રસીકરણ અભિયાન દ્વારા બાળકોને 11 ગંભીર રોગો સામે લડવાની ક્ષમતા પ્રદાન કરવામાં આવી રહી છે, જેના કારણે બાળ આરોગ્ય વધુ મજબૂત બનશે.

રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગે માતા-પિતાને પણ પોતાના 0 થી 5 વર્ષના બાળકોને નજીકના પોલિયો બૂથ પર લઈ જઈને પોલિયોના ટીપાં જરૂર પીવડાવવા અપીલ કરી છે. રસીકરણ સંપૂર્ણપણે સુરક્ષિત અને નિઃશુલ્ક છે. ત્રણ દિવસ સુધી ચાલનારા આ અભિયાન દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે અને દરેક વિસ્તારમાં વિશેષ ટીમો કાર્યરત રહેશે. સરકારનું લક્ષ્ય રાજ્યના દરેક બાળક સુધી રસી પહોંચાડવાનું છે, જેથી ગુજરાત પોલિયોમુક્ત રાજ્ય તરીકે પોતાની સિદ્ધિ યથાવત રાખી શકે. આ અભિયાનને સફળ બનાવવા માટે રાજ્ય સરકાર, આરોગ્ય વિભાગ અને સ્થાનિક તંત્ર સંયુક્ત રીતે કામગીરી કરી રહ્યા છે.

Exit mobile version