ફરી સિંગતેલના ભાવમાં ભડકો ! ડબ્બાનો ભાવ 3 હજારને પાર તો કપાસિયામાં પણ રૂ.20નો વધારો

ગુજરાતમાં રોજિંદા જીવન માટે જરૂરી ખાદ્ય તેલના ભાવમાં ફરી વધારો નોંધાયો છે, જેના કારણે સામાન્ય લોકોના બજેટ પર વધુ ભાર પડ્યો છે. વાસ્તવમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં તાજેતરમાં થયેલા વધારાએ ગૃહિણીઓ અને નાના વેપારીઓને ચિંતામાં મૂકી દીધા છે.
સિંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બા રૂ. 10નો વધારો નોંધાયો છે, જ્યારે કપાસિયા તેલમાં રૂ. 20 જેટલો વધારો થયો છે. આ વધારાને કારણે સિંગતેલનો ડબ્બો હવે રૂ. 3005થી વધીને રૂ. 3015 સુધી પહોંચી ગયો છે.બીજી તરફ, કપાસિયા તેલનો ડબ્બો રૂ. 2520માંથી વધીને રૂ. 2540 સુધી પહોંચી ગયો છે. જો છેલ્લા એક મહિનાની વાત કરીએ તો, બંને તેલના ભાવમાં મળીને લગભગ રૂ. 225 જેટલો વધારો નોંધાયો છે. આ સતત વધતા ભાવો લોકોને માટે ચિંતા ઊભી કરે છે, કારણ કે રસોઈ માટે આ તેલનો વ્યાપક ઉપયોગ થાય છે.
વેપારીઓનું માનવું છે કે, 31 માર્ચના દિવસે સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ બંધ રહેતા કાચા માલની ઉપલબ્ધિ ઘટી ગઈ હતી, જેના કારણે ભાવમાં આ વધારો જોવા મળ્યો છે. કાચા માલની અછત બજારમાં સપ્લાયને અસર કરે છે અને સીધી અસર ગ્રાહકોને ભોગવવી પડે છે.