
ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજ્યની તાબાની અદાલતો (સબઓર્ડિનેટ કોર્ટ્સ)માં કાર્યરત ન્યાયાધીશોની મોટા પાયે બદલી અને બઢતી (પ્રમોશન)ના આદેશ કરવામાં આવ્યા છે. હાઇકોર્ટના આ મહત્વના નિર્ણય બાદ જે ન્યાયાધીશોની બદલી કે બઢતી થઈ છે, તેમણે પોતાની વર્તમાન જગ્યા પરથી મુક્ત થઈને 17 ઓગસ્ટ સુધીમાં નવી નિમણૂકની જગ્યાએ ચાર્જ સંભાળી લેવાનો રહેશે.
ગુજરાત હાઇકોર્ટના આદેશ અનુસાર, બદલી અને બઢતી મેળવનારા તમામ ન્યાયાધીશોએ પોતાની વર્તમાન જગ્યાએથી છૂટા થઈને આગામી 17 ઓગસ્ટ સુધીમાં નિયત થયેલી નવી જગ્યાઓ પર પહોંચીને પોતાનો હોદ્દો અને ચાર્જ સંભાળી લેવાનો રહેશે.
રાજ્યની તાબાની અદાલતોમાં કાર્યરત 63 સિવિલ જજ ની એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં (આંતર જિલ્લા) બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત, એક જ જિલ્લા/કોર્ટ સંકુલની અંદર કરવામાં આવેલી આંતરિક બદલીઓની વિગતની વાત કરીએ તો સુરત અને રાજકોટમાં 6-6 સિવિલ જજ, કચ્છ અને મહેસાણામાં 3-3 સિવિલ જજ, અમદાવાદ, ભરૂચ અને વડોદરામાં 2-2 સિવિલ જજ અને ભાવનગર, દાહોદ, ગાંધીનગર, મોરબી અને સાબરકાંઠામાં 1-1 સિવિલ જજોની બદલીઓ કરવામાં આવી છે.
સિનિયર સિવિલ જજના પ્રમોશન અને બદલીની વિગત
ન્યાયતંત્રમાં સિનિયર સિવિલ જજ કક્ષાએ પણ મોટા પાયે આંતરિક ફેરફાર અને પ્રમોશન આપવામાં આવ્યા છે. 26 સિનિયર સિવિલ જજની આંતર જિલ્લા બદલી કરાઈ છે. 79 જજને સિનિયર સિવિલ જજ તરીકે પ્રમોશન (બઢતી) આપવામાં આવ્યું છે.
મુખ્ય આંતરિક બદલીઓ
અમદાવાદમાં સૌથી વધુ 37, રાજકોટમાં 21, વડોદરામાં 21, સુરતમાં 19, જામનગરમાં 08, ખેડામાં 07 અને મહેસાણામાં 06 સિનિયર સિવિલ જજની આંતરિક ફેરબદલી કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, મોરબી, નર્મદા, પોરબંદર, સુરેન્દ્રનગર, વલસાડ સહિતના અન્ય જિલ્લાઓમાં પણ જરૂરિયાત મુજબ બદલીઓ થઈ છે.
ડિસ્ટ્રિક્ટ જજ અને સેશન્સ ડિવિઝનમાં મોટા પાયે બદલી-પ્રમોશન
ઉચ્ચ ન્યાયિક સેવામાં ડિસ્ટ્રિક્ટ જજ સ્તરે પણ વ્યાપક સ્તરે ફેરફાર જોવા મળ્યા છે. 67 ડિસ્ટ્રિક્ટ જજની આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે. 57 જજને પ્રમોશન સાથે નવી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. 86 જજને એડિશનલ સેશન્સ અથવા સેશન્સથી સેશન્સ ડિવિઝન ખાતે નિયુક્ત કરવામાં આવ્યા છે.
સુરતમાં સૌથી વધુ 17, વડોદરામાં 11, અમદાવાદમાં 09, રાજકોટમાં 08, કચ્છમાં 08, બનાસકાંઠામાં 06, ભરૂચ તથા મહેસાણામાં 05-05 અને આણંદ, ગાંધીનગર તથા સુરેન્દ્રનગરમાં 04-04 જજને સેશન્સ ડિવિઝનમાં મૂકવામાં આવ્યા છે.
