
છેલ્લા કેટલાક વર્ષોમાં હવામાનના સ્વભાવમાં આવેલા અણધાર્યા ફેરફારોના કારણે ગુજરાતના ખેડૂતોને અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે. કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, વાવાઝોડાં અને અન્ય કુદરતી આફતોના કારણે પાકને વ્યાપક નુકસાન થવાના બનાવો વધ્યા છે. આવી કપરા સમયમાં રાજ્ય સરકારે માત્ર રાહતની જાહેરાતો સુધી મર્યાદિત ન રહી, પરંતુ અસરગ્રસ્ત ખેડૂતોને સીધી આર્થિક મદદ પહોંચાડીને તેમની મુશ્કેલીઓ હળવી કરવાનો પ્રયાસ કર્યો છે.
વર્ષ 2015-16થી 2025-26 દરમિયાન ગુજરાત સરકારે વિવિધ કૃષિ રાહત પેકેજો અને સહાય યોજનાઓ મારફતે 1.36 કરોડથી વધુ ખેડૂતોને કુલ ₹22,733 કરોડની સહાય ચૂકવી છે. કુદરતી આફતોના કારણે પાક નુકસાન ભોગવનારા લાખો ખેડૂતો માટે આ સહાય આર્થિક સંકટમાંથી બહાર આવવાનો મહત્વપૂર્ણ આધાર બની છે. આ સહાય માત્ર નાણાકીય મદદ નથી, પરંતુ ખેડૂતોના જીવનમાં ફરી આશા અને આત્મવિશ્વાસ જગાડવાનો પ્રયાસ પણ છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ખેડૂતોને મુશ્કેલીના સમયમાં તાત્કાલિક મદદ પહોંચાડવાની પરંપરાને વધુ મજબૂત બનાવી છે. કુદરતી આફતો પછી નુકસાનનું ઝડપી મૂલ્યાંકન કરીને અસરગ્રસ્ત ખેડૂતોના ખાતામાં સીધી સહાય જમા કરાવવાની વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. રાજ્ય સરકારનો અભિગમ એ રહ્યો છે કે, અન્નદાતાને મુશ્કેલીના સમયમાં એકલા ન છોડવા જોઈએ અને સમયસર સહાય પહોંચાડવી જોઈએ.
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના આદરિયાણા ગામના ખેડૂત દેવરાજભાઈ સોલંકી માટે ગયા વર્ષનો કમોસમી વરસાદ ભારે આફત લઈને આવ્યો હતો. ચણાનો આખો પાક નષ્ટ થઈ જતાં પરિવાર પર આર્થિક સંકટ ઊભું થયું હતું. દેવરાજભાઈના જણાવ્યા મુજબ, એક સમયે તેમને લાગ્યું હતું કે આખું વર્ષ મુશ્કેલીઓમાં પસાર થશે. પરંતુ રાજ્ય સરકાર તરફથી મળેલી ₹44,000ની સહાય તેમના પરિવાર માટે આશાનું કિરણ બની. આ રકમના આધારે તેઓ ફરી વાવેતર કરી શક્યા અને નવી હિંમત સાથે ખેતી આગળ વધારી શક્યા. દેવરાજભાઈ જેવી અનેક કથાઓ આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જોવા મળે છે, જ્યાં સરકારી સહાય ખેડૂતો માટે જીવનદોરી બની છે.
ભારે વરસાદ અને કમોસમી હવામાનના કારણે થયેલા વ્યાપક પાક નુકસાન બાદ રાજ્ય સરકારે વર્ષ 2025-26માં ઐતિહાસિક નિર્ણય લીધો હતો. આ સમયગાળા દરમિયાન 36.74 લાખથી વધુ ખેડૂતોને સીધી નાણાકીય સહાય રૂપે ₹10,337 કરોડ ચૂકવવામાં આવ્યા હતા. રાજ્યના કૃષિ ઇતિહાસમાં ખેડૂતો માટે જાહેર થયેલા સૌથી મોટા રાહત પેકેજોમાં આ સહાયનો સમાવેશ થાય છે. આ પગલાંના કારણે હજારો ખેડૂતોને આર્થિક કટોકટીમાંથી બહાર આવવાની તક મળી હતી.ગત દસ વર્ષ દરમિયાન ખેડૂતોને આપવામાં આવેલી સહાયના આંકડા રાજ્ય સરકારની ખેડૂતકલ્યાણ પ્રત્યેની ગંભીરતા દર્શાવે છે.
- 2015-16માં 1.82 લાખ ખેડૂતોને ₹279 કરોડ
- 2017-18માં 7.69 લાખ ખેડૂતોને ₹1,706 કરોડ
- 2018-19માં 17.59 લાખ ખેડૂતોને ₹1,678 કરોડ
- 2019-20માં 33.18 લાખ ખેડૂતોને ₹2,489 કરોડ
- 2020-21માં 19.03 લાખ ખેડૂતોને ₹2,906 કરોડ
- 2021-22માં 7.67 લાખ ખેડૂતોને ₹1,240 કરોડ
- 2022-23માં 1.93 લાખ ખેડૂતોને ₹197 કરોડ
- 2023-24માં 2.55 લાખ ખેડૂતોને ₹410 કરોડ
- 2024-25માં 8.04 લાખ ખેડૂતોને ₹1,491 કરોડ
- 2025-26માં 36.74 લાખ ખેડૂતોને ₹10,337 કરોડ
આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે, રાજ્ય સરકારે પરિસ્થિતિ અનુસાર સતત સહાયમાં વધારો કર્યો છે.
SDRF અને રાજ્ય સરકારના ભંડોળથી મળ્યો મોટો ટેકો
કુલ ₹22,733 કરોડની સહાયમાંથી ₹15,829 કરોડની રકમ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF) હેઠળ ચૂકવવામાં આવી હતી. જ્યારે ₹6,904 કરોડ રાજ્ય સરકારના પોતાના બજેટમાંથી ખેડૂતોને આપવામાં આવ્યા હતા. આ દર્શાવે છે કે, ખેડૂતોને રાહત પહોંચાડવા માટે રાજ્ય સરકારે પોતાના સ્તરે પણ મોટું આર્થિક યોગદાન આપ્યું છે.
સરકાર દ્વારા આપવામાં આવતી સમયસરની સહાયના કારણે આજે ખેડૂતોમાં આત્મવિશ્વાસનો માહોલ જોવા મળી રહ્યો છે. કુદરતી આફતો સામે લડતાં ખેડૂતોને હવે વિશ્વાસ છે કે મુશ્કેલીના સમયમાં સરકાર તેમની સાથે અડીખમ ઊભી રહેશે. ખેડૂતોની આર્થિક સુરક્ષા અને કૃષિ વિકાસ માટે લેવામાં આવેલા આવા પગલાં રાજ્યના કૃષિ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ બની રહ્યા છે.
