
ગુજરાત સરકાર દ્વારા માછીમારોની સુખાકારી માટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત પેટ્રોલિયમ દ્વારા માછીમારી બોટના ડીઝલ ભાવમાં જે રૂ. 22.43નો તોતિંગ વધારો કરવામાં આવ્યો હતો, તેને હવે પાછો ખેંચી લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મત્સ્યોદ્યોગ મંત્રી જીતુ વાઘાણીએ કેન્દ્ર સરકારને કરેલી સચોટ રજૂઆતના પરિણામે આ સફળતા મળી છે. હવે રાજ્યના માછીમારોને તેમની બોટ માટે અગાઉ નક્કી થયેલા જૂના રાહત દરે જ ડીઝલ પ્રાપ્ત થશે. આ ત્વરિત અને સંવેદનશીલ નિર્ણય બદલ મત્સ્યોદ્યોગ મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ નિર્ણયથી માછીમારો પરનો આર્થિક બોજ હળવો થશે.
ગુજરાત સરકારના મત્સ્ય સંઘ (GFCCA) દ્વારા માછીમારોને વ્યાજબી અને ડિસ્કાઉન્ટ ભાવે ડીઝલ મળી રહે તે માટે ભારત પેટ્રોલિયમ (BPCL) સાથે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. જોકે, તાજેતરમાં BPCL દ્વારા માછીમારો માટેના ડીઝલના ભાવમાં અચાનક લિટર દીઠ રૂ. 22.43નો તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો હતો. આ વધારાને કારણે માછીમારો પર આર્થિક બોજ વધવાની ભીતિ સેવાતી હતી.
આ ગંભીર સમસ્યાની જાણ થતા જ વિવિધ માછીમારી સંસ્થાઓ, ધારાસભ્યો અને સ્થાનિક આગેવાનોએ મત્સ્યોદ્યોગ મંત્રી જીતુ વાઘાણીને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મંત્રીશ્રીએ આ વિષયની ગંભીરતા સમજી ત્વરિત પગલાં ભર્યા હતા. મંત્રીએ કેન્દ્ર સરકાર સમક્ષ આગ્રહ કર્યો હતો કે જે રીતે રાજ્ય માર્ગ પરિવહન નિગમને ભાવ વધારામાંથી મુક્તિ અપાઈ છે, તેમ મત્સ્યોદ્યોગને પણ ‘સ્પેશિયલ એક્સેપ્શન’ ગણી રાહત આપવી જોઈએ. માછીમારોને ‘કન્ઝ્યુમર સેગમેન્ટ’ને બદલે રિટેલ ગ્રાહકોની સમકક્ષ ગણીને રાહત આપવી અનિવાર્ય છે.
https://www.instagram.com/timenewsguj
https://www.youtube.com/@INTIMENEWSCHANNEL
આ પણ વાંચો: અમદાવાદના રસ્તાઓ પર દોડશે વધુ 1000 ઇલેક્ટ્રિક બસો; AMTS અને BRTSના કાફલામાં થશે મોટો વધારો
