Site icon Time News

ગુજરાત પોલીસનો મોટો નિર્ણય, હવે આરોપીઓના જાહેરમાં વરઘોડા કાઢવા પર મુકાયો પ્રતિબંધ!

ગુજરાત પોલીસની છબી સુધારવા અને માનવ અધિકારોનું રક્ષણ કરવા માટે રાજ્યના ઈન્ચાર્જ પોલીસ વડા (DGP) ડૉ. કે. એલ. એન. રાવે એક ખૂબ જ મહત્વનો આદેશ બહાર પાડ્યો છે. આ નવા પરિપત્ર મુજબ, હવે પોલીસ કોઈપણ આરોપીને જાહેરમાં ફેરવી શકશે નહીં કે તેનો વરઘોડો કાઢી શકશે નહીં. આરોપી ભલે ગમે તેવો ગુનેગાર હોય, પરંતુ તેની અટકાયત કે તપાસ દરમિયાન તેની સાથે માનવીય વર્તન કરવું અને તેનું આત્મસન્માન જળવાઈ રહે તે જોવું પોલીસની ફરજ રહેશે. સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના મહત્વના ચુકાદાઓને ધ્યાનમાં રાખીને આ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેમાં આરોપીઓ સાથે જાહેરમાં થતા ગેરવર્તણૂક પર સંપૂર્ણ બ્રેક લગાવવામાં આવી છે.

પોલીસ કસ્ટડીમાં કે તપાસ દરમિયાન આરોપીઓ સાથે અમાનવીય વર્તન ન થાય તે માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. ઘણીવાર ગુનેગારોમાં કાયદાનો ડર ઉભો કરવા પોલીસ તેમને જાહેરમાં ઉઠક-બેઠક કરાવતી હોય છે, રસ્તા પર ઘૂંટણિયે ચલાવતી હોય છે કે પછી જાહેરમાં લાત કે લાકડીથી માર મારતી હોય છે. પરંતુ હવે આ બધું કરી શકાશે નહીં. આ ઉપરાંત, આરોપી પાસે જાહેરમાં હાથ જોડાવીને કે કાન પકડાવીને માફી મગાવવી અથવા તો તેમને ‘મુરઘા’ બનાવવા જેવી તમામ સજાઓ પર સખત પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

આ આદેશ સુપ્રીમ કોર્ટના ‘ડી.કે. બાસુ વિરુદ્ધ સ્ટેટ ઓફ પશ્ચિમ બંગાળ’ અને ગુજરાત હાઇકોર્ટના ‘ભૌતિક વિજયભાઇ ભટ્ટ વિરુદ્ધ ગુજરાત રાજ્ય’ કેસના ચુકાદાને આધારે તૈયાર કરાયો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે આરોપીઓને દોરડાથી બાંધીને ફેરવવા તે યોગ્ય નથી. આ સાથે જ, નવા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) 2023 મુજબ ધરપકડની પ્રક્રિયામાં પણ મોટા ફેરફારો કરાયા છે. નવા નિયમો પ્રમાણે, જો ધરપકડ અનિવાર્ય ન હોય તો કલમ 35 મુજબ પોલીસ માત્ર નોટિસ આપીને વ્યક્તિને બોલાવી શકશે. જ્યારે કલમ 36 મુજબ, ધરપકડ કરનાર અધિકારીએ પોતાની ઓળખ આપવી પડશે અને મેમોરેન્ડમ પર પરિવાર કે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિની સાક્ષી તરીકે સહી લેવી પડશે. આ સિવાય, આરોપીને કલમ 38 મુજબ તેના વકીલને મળવાનો અને પરિવારને જાણ કરવાનો પણ અધિકાર રહેશે.

નવા કાયદાની કલમ 43 મુજબ હવે દરેક આરોપીને સીધી જ હાથકડી પહેરાવી શકાશે નહીં. હાથકડી માત્ર અમુક ગંભીર કિસ્સાઓમાં જ પહેરાવી શકાશે; જેમ કે, આરોપી વારંવાર ગુનો કરતો હોય, કસ્ટડીમાંથી ભાગી ગયો હોય અથવા આતંકવાદ, ડ્રગ્સ, હત્યા, બળાત્કાર, એસિડ એટેક કે માનવ તસ્કરી જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલો હોય. જો આ સિવાયના અન્ય સામાન્ય ગુનામાં હાથકડી પહેરાવવી હોય, તો મેજિસ્ટ્રેટની અગાઉથી મંજૂરી લેવી પડશે.

આ નવા નિયમો અને માર્ગદર્શિકાનું જો કોઈ પોલીસ અધિકારી કે કર્મચારી ઉલ્લંઘન કરશે, તો તેમની સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ નિયમોના પાલનની સીધી જવાબદારી જે-તે વિસ્તારના DySP, ACP, SP કે CP કક્ષાના ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવી છે. આ પરિપત્રની નકલ તમામ પોલીસ કમિશનર, CID, ATS અને તમામ રેન્જ વડાઓને અમલ કરવા માટે મોકલી દેવામાં આવી છે.

આજકાલ નાની ઉંમરે જ Fatty Liver, Thyroid અને Diabetes જેવી સમસ્યાઓ કેમ વધી રહી છે? – https://www.instagram.com/reel/DYP6FvNOjif/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://PM મોદીની અપીલ પર CM યોગીનો મોટો નિર્ણય: મંત્રીઓના કાફલા 50% ઘટશે, WFH ને અપાશે પ્રાધાન્ય

Exit mobile version