Site icon Time News

ગેસની અછતને લઈને વિધાનસભામાં વિપક્ષનો હલ્લાબોલ, અમિત ચાવડાએ સિલિન્ડર લીધો ખભે

દેશભરમાં ગેસની તંગી સર્જાતા તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. અનેક રેસ્ટોરન્ટો ગેસ ન મળવાને કારણે બંધ થવાની સ્થિતિમાં છે, જ્યારે કેટલાકે કામકાજ તાત્કાલિક બંધ પણ કરવું પડ્યું છે. આ મુદ્દે કોંગ્રેસે આજે ગુજરાત વિધાનસભામાં પણ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા ખભા પર ગેસ સિલિન્ડર લઈ વિધાનસભા પહોંચ્યા હતા જ્યારે તુષાર ચૌધરી માથે લાકડાં લઈને આવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યો ‘સાહેબનો આઈડિયા કામ આવ્યો?’ લખેલા પોસ્ટર સાથે વિધાનસભા પરિસરમાં વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા.

ગેસની અછતના મુદ્દે કોંગ્રેસે ગાંધીનગર ખાતે વિધાનસભા બહાર અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો ગેસના બાટલા સાથે લાકડાં અને છાણા લઈને પહોંચ્યા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે ગેસ સપ્લાયમાં ઘટાડાને કારણે સામાન્ય લોકો મુશ્કેલીમાં છે, છતાં સરકાર તરફથી પૂરતા પગલાં લેવામાં આવી રહ્યા નથી.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્યું કે આજે સામાન્ય નાગરિકો ગેસ સિલિન્ડર મેળવવા લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બની રહ્યા છે. ગૃહિણીઓને ગેસ માટે અનેક જગ્યાએ દોડધામ કરવી પડે છે જે સરકારની નીતિની નિષ્ફળતા દર્શાવે છે. મોંઘવારી વચ્ચે ગેસની અછતથી સામાન્ય જનજીવન અને ઉદ્યોગો બંને પર અસર પડી રહી હોવાનું તેમણે કહ્યું.

અમિત ચાવડાએ કેન્દ્ર સરકાર પર પણ નિશાન સાધ્યું. તેમના કહેવા મુજબ વડાપ્રધાન અમેરિકા સામે નમતા હોવાના કારણે પેટ્રોલિયમ અને ગેસ સપ્લાય સંબંધિત મુદ્દે દેશના હિતોને નુકસાન થયું છે. તેમણે સરકારને તાત્કાલિક ગેસ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની પૂરતી ઉપલબ્ધતા નક્કી કરવા માટે પગલાં લેવા માંગ કરી.

ચાવડાએ ચેતવણી આપી કે જો હાલની પરિસ્થિતિ યથાવત રહેશે તો આવનારા સમયમાં ગેસ માટે અંધાધૂંધી જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. કોંગ્રેસે સરકારને ગેસ સપ્લાય સુધારવા અને મોંઘવારીના પ્રશ્ન પર તાત્કાલિક અસરકારક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

https://www.instagram.com/timenewsguj/?hl=en

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:  નકલી ઘીનું વધુ એક કારખાનું ઝડપાયું, ફૂડ વિભાગની કામગીરી સામે ઉઠ્યા ગંભીર સવાલો

Exit mobile version