Site icon Time News

ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

ગાંધીનગર ખાતે તાજેતરમાં રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ ગૌરવશાળી સમારોહ યોજાઈ ગયો. શહેરી વિસ્તારોમાં લોકોની સુખાકારી વધે અને વિકાસના કામોને વેગ મળે તે હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અંતર્ગત કુલ 3850 કરોડ રૂપિયાના ચેકનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબહેન વાઘેલા અને નાયબ દંડક જગદીશભાઈ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની અધ્યક્ષતા કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પદાધિકારીઓ અને અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ મજબૂત નાણાકીય વ્યવસ્થાપનને કારણે આજે શહેરોના વિકાસ માટે નાણાંની કોઈ જ કમી નથી. લોકો ઈઝ ઓફ લિવિંગનો અનુભવ કરી રહ્યા છે, જેથી તેમની અપેક્ષાઓ પણ વધી છે. મુખ્યમંત્રીએ નગરોમાં અપાતી સુવિધાઓને સિટીઝન સેન્ટ્રિક (નાગરિક કેન્દ્રી), પારદર્શક, જવાબદેહ અને ટેકનોલોજી આધારિત બનાવવા પર ભાર મૂક્યો હતો.
તેમણે કેટલીક મહત્વપૂર્ણ તાકીદ કરતા જણાવ્યું કે:

માત્ર નવા કામો જ નહીં, પરંતુ જૂના અને પૂર્ણ થયેલા કામોની સ્થિતિ પર પણ સતત ધ્યાન રાખવું.

વિકાસ કામોમાં ગુણવત્તા જળવાય તે માટે અધિકારીઓ અને પદાધિકારીઓએ સાથે મળીને સાઇટ વિઝિટ કરવી ફરજિયાત છે.

શહેરોમાં હવેથી જે પણ નવા રસ્તા બને તે માત્ર આર.સી.સી. (RCC)ના જ બનાવવા.

શહેરી સ્વચ્છતામાં કોઈ બાંધછોડ નહીં ચાલે, જો કોઈ દુર્લક્ષ સેવશે તો કડક પગલાં લેવાશે.

પર્યાવરણના રક્ષણ માટે નવી બનતી ટી.પી. સ્કીમમાં 1 ટકા જમીન ફરજિયાત વૃક્ષારોપણ, બગીચા કે ઓક્સિજન પાર્ક માટે અનામત રાખવી.

મુખ્યમંત્રીએ જૂના દિવસોને યાદ કરતા કહ્યું કે, પહેલા નગરોના બજેટ માંડ 3 થી 4 લાખ રૂપિયાના રહેતા. પરંતુ 2005માં પીએમ મોદીએ શરૂ કરેલા શહેરી વિકાસ વર્ષના પાયાને કારણે આજે એક જ દિવસમાં કરોડોની ગ્રાન્ટ આપી શકાય તેવી સંગીન સ્થિતિ બની છે.

કઈ મહાનગરપાલિકા અને નગરપાલિકાને કેટલા મળ્યા?

રાજ્યની 17 મહાનગરપાલિકાઓને વિકાસ કામો માટે કુલ 2992 કરોડ રૂપિયા અને 152 નગરપાલિકાઓને 858 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જેની વિગત નીચે મુજબ છે:

મહાનગરપાલિકાઓની ફાળવણી:

અમદાવાદ: 870 કરોડ

સુરત: 770 કરોડ

વડોદરા: 285 કરોડ

રાજકોટ: 232 કરોડ

ભાવનગર: 105 કરોડ

જામનગર: 105 કરોડ

જૂનાગઢ: 65 કરોડ

ગાંધીનગર: 65 કરોડ

અન્ય શહેરો (પ્રત્યેકને 55 કરોડ):

ગાંધીધામ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, મહેસાણા, વાપી, નડિયાદ, આણંદ અને મોરબી.

નગરપાલિકાઓની વર્ગ મુજબ ફાળવણી:

‘અ’ વર્ગ (41 નગરપાલિકા): 307.50 કરોડ

‘બ’ વર્ગ (34 નગરપાલિકા): 221 કરોડ

‘ક’ વર્ગ (60 નગરપાલિકા): 270 કરોડ

‘ડ’ વર્ગ (17 નગરપાલિકા): 59.50 કરોડ

મંત્રીઓના મહત્વના નિવેદનો

આ પ્રસંગે શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, 2047 સુધીમાં દેશની 70 થી 75 ટકા વસ્તી શહેરોમાં રહેતી હશે, જેથી આપણે અત્યારથી જ ક્વોલિટી વર્ક અને ક્લાઈમેટ ચેન્જને ધ્યાનમાં રાખીને આયોજન કરવું પડશે. તેમણે ‘એક પેડ મા કે નામ’ અને ‘સ્વચ્છતા અભિયાન’ને વેગ આપી શહેરોને હરિયાળા અને સ્વચ્છ બનાવવા અનુરોધ કર્યો હતો.

રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, આત્મનિર્ભર ભારતના વિઝન હેઠળ સ્થાનિક કારીગરો માટે સ્વદેશી મેળા અને ઘન કચરાના યોગ્ય નિકાલ માટે ઝોન વાઇઝ વર્કશોપનું આયોજન કરાયું છે. તેમણે આશા વ્યક્ત કરી કે ગુજરાત વિકાસની સાથે સ્વચ્છતામાં પણ દેશમાં નંબર વન બનશે.

Exit mobile version