
ગુજરાત ATSએ હાલ શહેરના રખિયાલ વિસ્તારમાંથી પંજાબના મોસ્ટ વોન્ટેડ આરોપીને પકડી પાડ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ વોન્ટેડ આરોપી પંજાબમાં ક્રોસ બોર્ડર હેરોઈન અને હથિયાર તસ્કરીના કેસમાં સંડોવાયેલો છે, જે છેલ્લા થોડા સમયથી ફરાર હતો અને હાલ તે અમદાવાદ શહેરમાં હોવાની માહિતી મળી હતી. જે બાદ ગુજરાત ATSએ આ કાર્યવાહી કરી તેની ધરપકડ કરી છે અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાની વિગતે વાત કરીએ તો, ગુજરાત ATSએ ક્રોસ બોર્ડર હેરોઈન, હથિયાર તસ્કરી કેસમાં વોન્ટેડ આરોપીની અમદાવાદમાંથી ધરપકડ કરી છે. રખિયાલ વિસ્તારમાંથી પકડાયેલા આ આરોપીની ઓળખ રહેમત અલી શેખ તરીકે થઈ છે. જે અગાઉ પંજાબ રાજ્યના અમૃતસરમાં આવેલ રાજા સાંશી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનામાં વોન્ટેડ હતો. જે હાલ અમદાવાદમાં હાજર હોવાની માહિતી મળતા આ કાર્યવાહી કરાઈ છે.
મળતી માહિતી મુજબ, પકડાયેલા આ આરોપી રહેમત અલી શેખ પર આરોપ છે કે, પંજાબ રાજ્યના અમૃતસરમાં આવેલ રાજા સાંશી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ બે આરોપીઓ પાસેથી મોટી માત્રામાં હેરોઇન મળ્યું હતું, સાથે જ તપાસમાં 4 હેન્ડ ગ્રેનેડ, પિસ્તોલ પણ મળી આવી હતી.
બાદમાં આ કેસની તપાસમાં મુખ્ય આરોપી તરીકે આરોપી રહેમત અલી શેખનું નામ ખુલ્યું હતું, જોકે તપાસ કરતા આ આરોપી રહેમત અલી શેખ જે-તે સમયે પંજાબથી નેપાળ ભાગી ગયો હોવાની માહિતી સામે આવી હતી. જોકે હાલ તે અમદાવાદમાં આવ્યો હોવાની માહિતી મળતા ગુજરાત ATSએ સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડી તેને દબોચી લીધો છે અને આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
https://www.instagram.com/timenewsguj
