Site icon Time News

આસારામ આશ્રમ નજીક ગેરકાયદે બાંધકામ પર ચાલશે તંત્રનો હથોડો, AMCની ટીમ પહોંચતા જ બબાલ

અમદાવાદના મોટેરા વિસ્તારમાં આજે તંત્ર દ્વારા હાથ ધરાયેલી ડિમોલિશન કાર્યવાહીને લઈને તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. વિગતો મુકબ આશારામ આશ્રમ નજીક આવેલા જૂના ગામતળ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામોને દૂર કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ટીમ ભારે પોલીસ બંદોબસ્ત અને JCB મશીનો સાથે સ્થળ પર પહોંચી હતી.

પ્રાથમિક વિગતો મુજબ જૂના ગામતળ હેઠળ આવેલા કુલ 36 મકાનોને ગેરકાયદે બાંધકામ ગણાવી તંત્ર દ્વારા તેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જોકે, આ નિર્ણય સામે સ્થાનિક રહિશોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. ડિમોલિશન ટીમ ગામમાં પ્રવેશ કરે તે પહેલાં જ ગ્રામજનોએ વિરોધનો મોરચો ખોલી દીધો હતો. રહીશોએ ગામની બહાર રસ્તો રોકી કોર્પોરેશનની ટીમને આગળ વધતી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે વિસ્તારમાં થોડા સમય માટે તંગદિલીભર્યો માહોલ સર્જાયો હતો.

સૂત્રો મુજબ આગામી વર્ષોમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાઓ અને શહેરના આધુનિક વિકાસના આયોજનને ધ્યાનમાં રાખીને મોટેરા વિસ્તારમાં વિશાળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ માટે જરૂરી જમીન ઉપલબ્ધ કરાવવા ગેરકાયદે દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.આ તરફ તંત્રનું કહેવું છે કે, વિકાસલક્ષી યોજનાઓને આગળ વધારવા માટે કાયદાકીય પ્રક્રિયા મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જ્યારે બીજી તરફ સ્થાનિકો પોતાનું રહેઠાણ બચાવવા માટે વિરોધ નોંધાવી રહ્યા છે.

Exit mobile version