
રાજ્યમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે .કુલ 4,564 ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાઈ રહ્યું છે. સવારે 7.00 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. મળતા અહેવાલ પ્રમાણે જે પૈકી 751 પંચાયતો બિનહરીફ જાહેર થઈ છે, જ્યારે 272 પંચાયતોમાં ઉમેદવારી ન થવાને કારણે બેઠકો ખાલી રહી છે. જેથી 3,541 પંચાયતોમાં સામાન્ય, વિભાજન તથા મધ્યસત્ર ચૂંટણી.
જ્યારે 353 પંચાયતોમાં પેટા ચૂંટણી માટે મતદાન થશે. રાજ્યભરમાં કુલ 3,656 સરપંચ અને 16,224 સભ્યપદ માટે ચૂંટણી યોજાઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે.જેમાં અંદાજે 81 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીનું પરિણામ 25 જૂને જાહેર કરાશે..
ગ્રામ પંચાયતની ચૂંટણી માટે રાજ્યભરના 10,479 મતદાન મથકો પર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખી સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસ ફોર્સ તેમજ પેટ્રોલીંગ ટીમ તૈનાત કરાઈ છે. ગુજરાતમાં 4,000થી વધુ ગ્રામ પંચાયતોમાં છેલ્લા ત્રણ વર્ષથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે..વધુ 1,400 પંચાયતોની મુદત 30મી જૂન, 2025ના રોજ પૂર્ણ થવાની છે. બીજીબાજુ કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીઓના કારણે કડી, જોટાણા, ભેંસાણ, વિસાવદર, જૂનાગઢ ગ્રામ્ય અને બગસરા તાલુકાઓમાં ગ્રામ પંચાયત ચૂંટણીઓ રદ કરવામાં આવી છે.
નવસારી જિલ્લામાં આજે લોકશાહીનો મહાપર્વ ઉજવાઈ રહ્યો છે. સામાન્ય ચૂંટણીમાં 1 લાખ 8 હજાર 686 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને 126 સરપંચ અને 433 પંચાયત સભ્ય ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. બીજી તરફ, પેટા ચૂંટણીમાં 26,441 મતદારો 19 સરપંચ અને 33 સભ્ય ઉમેદવારો માટે મતદાન કરશે. જિલ્લામાં કુલ 161 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે, જેમાંથી 15 મતદાન મથકોને સંવેદનશીલ અને 1 મતદાન મથકને અતિસંવેદનશીલ તરીકે ઓળખવામાં આવ્યું છે. આ મથકો પર સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને ન્યાયી રીતે પૂર્ણ થાય.
ભાવનગર જિલ્લાની 466 ગ્રામ પંચાયતો પૈકી આજે 233 ગ્રામ પંચાયતોમાં 1347 સભ્યોની બેઠકો માટે ચૂંટણીનું મતદાન શરૂ થયું છે. આ ચૂંટણીઓમાં સામાન્ય, વિભાજન, મધ્યસત્ર અને પેટા ચૂંટણીનો સમાવેશ થાય છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 698 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે, જ્યાં 776 મતપેટીઓ રાખવામાં આવી છે. આ ગ્રામ પંચાયતોમાં કુલ 4 લાખ 90 હજાર 694 મતદાતાઓ, જેમાં સ્ત્રી અને પુરુષ બંનેનો સમાવેશ થાય છે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
