Site icon Time News

સુરત પૂર બાદ સરકાર એક્શનમાં: ખાડીપૂર નિવારવા રૂ500 કરોડની ફાળવણી, અસરગ્રસ્તોને સહાયના આદેશ

સુરતમાં 7 જુલાઈના રેકોર્ડબ્રેક વરસાદ બાદ સર્જાયેલી પૂરની સ્થિતિને પગલે રાજ્ય સરકારે રાહત અને પુનઃસ્થાપન કામગીરીને વધુ ઝડપી બનાવી છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્યો અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં ખાડીપૂરની સ્થિતિ ફરી સર્જાય નહીં તે માટે સરકારે ₹500 કરોડની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો છે. ખાડીપૂરનો કાયમી ઉકેલ લાવવા માટે મેગા પ્લાન તૈયાર કરવામાં આવશે અને તેના આધારે કામગીરી હાથ ધરાશે.

સરકારે સુરત શહેરની તમામ દુકાનો અને મકાનોનો સર્વે કરવાનો નિર્ણય લીધો છે. દુકાનદારો અને અન્ય અસરગ્રસ્તોને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કર્યા બાદ આર્થિક સહાય પેકેજ જાહેર કરવામાં આવશે. મુખ્યમંત્રીએ કાલ સાંજ સુધીમાં સર્વે પૂર્ણ કરવા અને અસરગ્રસ્તોને કેશડોલ ચૂકવવાના પણ આદેશ આપ્યા છે.

બીજી તરફ સુરતની લિંબાયત ઝોન કચેરી છેલ્લા ચાર દિવસથી વરસાદી પાણીમાં ગરકાવ છે. કચેરી તેમજ આસપાસના વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા હોવાથી સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

પૂરની સ્થિતિ દરમિયાન ફાયર વિભાગના જવાનોએ અનેક લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડીને માનવતા અને બહાદુરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ખાસ કરીને ગોડાદરા માર્ગ પર ગળાડૂબ પાણીમાં ફસાયેલા એક યુવકનું જીવ જોખમમાં મૂકી સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

વરસાદમાં વિરામ મળતાં જ સુરત મહાનગરપાલિકાની ટીમો પણ મેદાનમાં ઉતરી ગઈ છે. શહેરના વિવિધ વિસ્તારો તેમજ કોમર્શિયલ કોમ્પલેક્ષોમાં ભરાયેલા પાણીના નિકાલ માટે એક સાથે 8થી 10 પંપ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. સીતાનગર સહિત અનેક વિસ્તારોમાં સફાઈ અને પાણીના નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સુરતમાં ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. જોકે સુરત મહાનગરપાલિકા અને સરકારના વિવિધ વિભાગોએ સંકલન સાથે કામગીરી કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.મુખ્યમંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે, ભવિષ્યમાં આવી સ્થિતિ ફરી સર્જાય તો જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ખાડીપૂર અટકાવવા ફૂલપ્રૂફ આયોજન તૈયાર કરવા તેમજ આજે સાંજ સુધીમાં સફાઈનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે મોડી રાત સુધી સુરતમાં રહી રાહત કામગીરીની સમીક્ષા કરશે.

Exit mobile version