
ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સેક્ટર-24ના ઈન્દિરાનગર વિસ્તારમાં 5 વર્ષની માસૂમ બાળકી પર આચરવામાં આવેલા દુષ્કર્મ (Rape) કેસના આરોપીએ પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરતા ગાંધીનગર પોલીસ (Gandhinagar Police) એ સ્વબચાવમાં ફાયરિંગ કર્યું છે. બહાદુર મહિલા પીઆઈ (PI) દ્વારા ચલાવવામાં આવેલી ગોળી આરોપીના પગમાં વાગતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.
પાટનગરમાં ચકચાર જગાવનાર બાળકી પરના અત્યાચાર કેસમાં પોલીસે કડક કાર્યવાહી કરી છે. 5 દિવસ પહેલા ઈન્દિરાનગર છાપરા વિસ્તારમાં બનેલી શરમજનક ઘટનાના આરોપી રામસિંગ ઉર્ફે રામ ગુલાટી યાદવને આજે સવારે જ સેક્ટર-25 માંથી પોલીસે ઝડપી લીધો હતો. ધરપકડ બાદ પોલીસ કાફલો આરોપીને લઈને ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન (Reconstruction) અને પુરાવા એકત્ર કરવા માટે ગયો હતો. આ દરમિયાન આરોપીએ પોલીસને થાપ આપીને ભાગવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
