
ગાંધીનગર મહાનગરપાલિકાને તેમના સૌથી યુવા મેયર મળ્યા છે. 29 વર્ષીય રૂપસિંહ ઠાકોરની ગાંધીનગરના નવા મેયર તરીકે પસંદગી કરવામાં આવી છે. વોર્ડ નંબર 4 માંથી 7 હજારથી વધુ મતોની સરસાઈથી વિજયી થયેલા રૂપસિંહ ઠાકોર મહાનગરપાલિકાના ઈતિહાસમાં સૌથી નાની વયના મેયર બન્યા છે. આ સાથે જ ડેપ્યુટી મેયર તરીકે અંજનાબેન મહેતાની વરણી કરવામાં આવી છે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે મહેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી છે.
ગાંધીનગર મનપાના કુલ 11 વોર્ડની તમામ 44 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી જંગમાં કુલ 130 ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું હતું. ચૂંટણી પંચના આંકડા મુજબ, મનપા વિસ્તારમાં નોંધાયેલા અંદાજે 2.59 લાખ મતદારોમાંથી સરેરાશ 59.25% લોકોએ મતદાન કર્યું હતું.
ગત ઓક્ટોબર 2021 ની ચૂંટણીની સરખામણી કરીએ તો, ભાજપને 3 બેઠકોનું નુકસાન થયું છે. ગત ટર્મમાં ભાજપ પાસે 41 બેઠકો હતી, જે ઘટીને આ વખતે 38 થઈ છે. તેમ છતાં, વિપક્ષ કરતા બીજેેપી ઘણી આગળ છે.
બીજી તરફ, કોંગ્રેસ માટે આ ચૂંટણી થોડી રાહતરૂપ સાબિત થઈ છે. ગત ચૂંટણીમાં માત્ર 2 બેઠકો જીતનાર કોંગ્રેસે આ વખતે પોતાનો આંકડો વધારીને 5 પર પહોંચાડ્યો છે. આ ઉપરાંત 1 બેઠક પર અપક્ષ ઉમેદવારે મેદાન માર્યું છે.
સૌથી મોટો ઝટકો આમ આદમી પાર્ટીને લાગ્યો છે. 2021 માં 1 બેઠક જીતીને ખાતું ખોલાવનાર ‘આપ’ આ વખતે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવામાં નિષ્ફળ રહી છે અને શૂન્ય પર આઉટ થઈ ગઈ છે.
થરા અને ઓખા નગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી, જાણો કોને મળી કઈ જવાબદારી?
ગુજરાતની થરા અને દ્વારકાની ઓખા નગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. થરા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદની જવાબદારી મહિલાઓને સોંપવામાં આવી છે. જ્યારે ઓખા નગરપાલિકામાં પણ પ્રમુખ, ઉપપ્રમુખ સહિત વિવિધ હોદ્દાઓ પર નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે.
થરા નગરપાલિકામાં મહિલાઓને નેતૃત્વની જવાબદારી
થરા નગરપાલિકાના પ્રમુખ તરીકે અશ્વિનીબેન ઠક્કરની વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે જશીબેન પટેલની પસંદગી કરવામાં આવી છે. આમ, નગરપાલિકાના બંને મહત્વપૂર્ણ હોદ્દાઓ પર મહિલાઓને જવાબદારી સોંપવામાં આવી છે.
ઓખા નગરપાલિકામાં હોદ્દેદારોની સર્વાનુમતે વરણી
બીજી તરફ, દ્વારકા જિલ્લાની ઓખા નગરપાલિકામાં પ્રમુખ તરીકે હાડાભા બી. માણેક અને ઉપપ્રમુખ તરીકે અલાનાહસન થેમની વરણી કરવામાં આવી છે. જ્યારે કારોબારી ચેરમેન તરીકે ઉષાબેન ગોહિલ અને શાસક પક્ષના નેતા તરીકે નિહાર મોદીની પસંદગી થઈ છે. આ ઉપરાંત દંડક તરીકે ભવ્ય બિપિન ચાવડાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.
ઓખા ખાતે જિલ્લા ભાજપ અને ધારાસભ્ય પબુભા માણેકની અધ્યક્ષતામાં હોદ્દેદારોની વરણી માટે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રાંત અધિકારી અને નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ, થરા અને ઓખા નગરપાલિકામાં નવા હોદ્દેદારોની વરણી સાથે સ્થાનિક શહેરી વહીવટની નવી ટીમની રચના કરવામાં આવી છે.
