Site icon Time News

ગાંધીનગર મનપા ચૂંટણીની તારીખો જાહેર: જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. આ જાહેરાતની સાથે ગાંધીનગર મનપા વિસ્તારમાં આદર્શ આચારસંહિતા લાગૂ થઈ ગઈ છે. ગાંધીનગર મનપાના 11 વોર્ડની કુલ 44 બેઠકો પર ચૂંટણી યોજાશે.

ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં મતદાન 11 ઓક્ટોબરે થશે, જ્યારે મતગણતરી 13 ઓક્ટોબરે થશે. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કુલ 2 લાખ 59 હજાર 443 મતદાતા છે. કુલ 295 બુથ પર મતદાન થશે. ગાંધીનગર મનપામાં 44 બેઠકમાંથી કુલ 22 બેઠકો મહિલાઓ માટે અનામત છે. SC માટે 5 બેઠક અને ST માટે 1 બેઠક અનામત છે. 12 બેઠકો ઓબીસી માટે અનામત છે. જ્યારે 13 બેઠકો સામાન્ય છે.ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિકોણીય જંગ જોવા મળી શકે છે. વર્ષ 2021મા ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતીથી જીત મેળવી હતી. ભાજપે કુલ 44 બેઠકોમાંથી 41 બેઠકો કબજે કરી હતી. જ્યારે કોંગ્રેસને 2 અને આપને 1 બેઠક મળી હતી.

ઉમેદવારોએ અલગ બેંક ખાતું ખોલાવવું પડશે
રાજ્ય ચૂંટણી પંચે ઉમેદવારો માટે પણ નિયમો જાહેર કર્યાં છે. તમામ ઉમેદવારે ચૂંટણી ખર્ચ માટે અલગ બેંક ખાતું ખોલાવવું પડશે. ચૂંટણી સિવાયનો અન્ય ખર્ચ આ ખાતામાંથી કરી શકાશે નહીં. ઉમેદવાર 10 હજારથી વધુનું દાન રોકડ સ્વરૂપે સ્વિકારી શકશે નહીં. આ સિવાય 10 હજારથી ઓછો ખર્ચ હશે તો રોકડમાં થશે, વધુ રકમનું પેમેન્ટ ચેકથી કરવું પડશે. 

ગાંધીનગર મનપા સિવાય અહીં પણ યોજાશે ચૂંટણી
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મનપા સિવાય બે નગર પાલિકાની ચૂંટણી પણ જાહેર કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઓખા નગર પાલિકા અને બનાસકાંઠા જિલ્લાની થરા નગર પાલિકાની ચૂંટણી યોજાશે. આ સિવાય કેટલીક નપાની પેટા ચૂંટણી યોજાશે. તમામ જગ્યાએ મતદાન 11 ઓક્ટોબરે થશે અને મતગણતરી 13 ઓક્ટોબરે હાથ ધરાશે.

Exit mobile version