Gandhinagar જિલ્લામાં સાબરમતી નદીના કાંઠા વિસ્તારમાં આજે (18 સપ્ટેમ્બર) વહેલી સવારથી તંત્ર દ્વારા મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. 500થી વધુના પોલીસ કાફલા સાથે સરકારી જમીન પર થયેલા 700થી વધુ ગેરકાયદેસર દબાણોને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પેથાપુર અને ચરેડી સહિતના વિસ્તારોમાં વર્ષોથી ખડકાયેલા દબાણોને જમીનદોસ્ત કરવામાં આવી રહ્યા છે.
આજે (18 સપ્ટેમ્બર) સવારથી જ ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સાબરમતી નદીકાંઠાના વિસ્તારોમાં ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી હતી. કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 500થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા કાચા-પાકા મકાનો અને અન્ય બાંધકામોને તોડી પાડવા માટે બુલડોઝર અને જેસીબી મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
મળતી માહિતી મુજબ આ દબાણકર્તાઓને અગાઉ વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન ખાલી કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસની સમયમર્યાદા પૂરી થવા છતાં દબાણકારોએ જગ્યા ખાલી ન કરતા આખરે તંત્રએ બળપ્રયોગ કરી દબાણો દૂર કરવાની ફરજ પડી હતી.
અગાઉ પણ રાજ્યમાં થઈ છે મોટી કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ ગુજરાતના જામનગર, દ્વારકા, રાજકોટ અને કચ્છ જેવા જિલ્લાઓમાં સરકારી જમીનો પરથી ગેરકાયદેસર દબાણો હટાવવા માટે મોટી ઝુંબેશ ચલાવવામાં આવી હતી. સરકાર દ્વારા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે, રાજ્યમાં સરકારી જમીન પર કોઈપણ પ્રકારનું દબાણ ચલાવી લેવામાં આવશે નહીં અને આગામી સમયમાં પણ આવી કાર્યવાહી યથાવત રહેશે.
આ મેગા ડિમોલિશન ડ્રાઈવને પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. વર્ષોથી વસવાટ કરતા કેટલાક પરિવારો બેઘર બન્યા હોવાની પણ વિગતો સામે આવી રહી છે. જોકે, તંત્ર દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે માત્ર ગેરકાયદેસર અને સરકારી જમીન પરના દબાણોને જ નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો, http://કર્ણાટકમાં 6018 મત ડિલિટ થયા, વોટ ચોરોને બચાવી રહ્યા છે ચૂંટણી કમિશ્નરઃ રાહુલ ગાંધી
