Site icon Time News

G-20 સંમેલનથી Gen-Z સુધી…, જાણો ‘મન કી બાત’ માં PM મોદીના મનની મોટી વાતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 128મા એપિસોડમાં રાષ્ટ્રને સંબોધિત કર્યું. મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, “નવેમ્બર મહિનો ઘણી પ્રેરણાઓ લઈને આવ્યો. 26 નવેમ્બરના રોજ, ‘બંધારણ દિવસ’ પર સેન્ટ્રલ હોલમાં એક ખાસ કાર્યક્રમ યોજાયો. વંદે માતરમના 150 વર્ષ પૂરા થવા પર દેશભરમાં કાર્યક્રમોની ભવ્ય શરૂઆત થઈ. અયોધ્યામાં રામ મંદિરમાં ધર્મધજાનું આરોહણ. કુરુક્ષેત્રના જ્યોતિસરમાં પાંચજન્ય સ્મારકનું લોકાર્પણ થયું.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના 128મા એપિસોડમાં કહ્યું, “દેશે કૃષિ ક્ષેત્રમાં પણ મોપતિ ઉપલબ્ધિ હાંસલ કરી છે. ભારતે 357 મિલિયન ટન ખાદ્યાન્નનું ઉત્પાદન કરીને એક ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે.” પીએમ મોદીએ આગળ કહ્યું, “થોડા દિવસો પહેલા, સોશિયલ મીડિયા પર એક વીડિયોએ મારું ધ્યાન ખેંચ્યું. આ વીડિયો ISRO દ્વારા આયોજિત એક અનોખી ડ્રોન સ્પર્ધાનો હતો. આ વીડિયોમાં, આપણા દેશના યુવાનો, ખાસ કરીને આપણા Gen-Z મંગળ ગ્રહ જેવી સ્થિતિમાં ડ્રોન ઉડાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ સ્પર્ધામાં પુણેના યુવાનોની એક ટીમે ઘણા અંશે સફળતા મેળવી. તેમનું ડ્રોન પણ ઘણી વખત પડ્યું, ક્રેશ થયું, પરંતુ તેઓએ હાર ન માની. ઘણા પ્રયાસો પછી, આ ટીમનું ડ્રોન મંગળ ગ્રહની સ્થિતિમાં થોડા સમય માટે ઉડવામાં સફળ રહ્યું.”

પીએમ મોદીએ કહ્યું, “જમ્મુ-કાશ્મીરના પહાડી વિસ્તારોમાં, વન તુલસી એટલે કે સુલાઈના ફૂલોમાંથી અહીંની મધમાખીઓ ખૂબ જ અનોખું મધ બનાવે છે. આ સફેદ રંગનું મધ હોય છે, જેને રામબન સુલાઈ હની કહેવામાં આવે છે. થોડા વર્ષો પહેલા જ રામબન સુલાઈ હનીને GI ટેગ મળ્યો છે.” પીએમ મોદીએ કહ્યું, “કર્ણાટકના જ ટુમકુર જિલ્લામાં ‘શિવગંગા કલાંજિયા’ નામની સંસ્થાના પ્રયાસો પણ ખૂબ જ પ્રશંસનીય છે. અહીં, દરેક સભ્યને શરૂઆતમાં બે bee-boxes આપવામાં આવે છે. આમ કરીને, આ સંસ્થાએ ઘણા ખેડૂતોને તેના અભિયાન જોડી દીધા છે.”

વડાપ્રધાન મોદીએ આગળ કહ્યું, “નાગાલેન્ડનું ક્લિફ હની હંટિંગ, નાગાલેન્ડના ચોકલાંગન ગામમાં ખિયામની-યાંગન જનજાતિ સદીઓથી મધ કાઢવાનું કામ કરતી આવી છે. અહીં મધમાખીઓ ઝાડ પર નહીં પણ ઊંચા ખડકો પર પોતાના ઘર બનાવે છે. તેથી, મધ કાઢવું ખૂબ જોખમી હોય છે. તેથી, અહીંના લોકો પહેલા મધમાખીઓ સાથે સૌમ્યતાથી વાત કરે છે અને તેમની પરવાનગી માંગે છે.”

વડાપ્રધાને કહ્યું, “આપણે બધા જાણીએ છીએ કે મહાભારતનું યુદ્ધ હરિયાણાના કુરુક્ષેત્રમાં થયું હતું. પરંતુ હવે તમે ત્યાંના મહાભારત અનુભવ કેન્દ્રમાં આ યુદ્ધનો અનુભવ સાક્ષાત કરી શકો છો. આ અનુભવ કેન્દ્રમાં મહાભારતની ગાથા 3D, લાઇટ એન્ડ સાઉન્ડ શો અને ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દર્શાવવામાં આવી રહી છે.”

વડાપ્રધાન મોદીએ કહ્યું, “બીજા વિશ્વયુદ્ધની કલ્પના કરો, જ્યારે ચારે બાજુ વિનાશનું ભયાનક વાતાવરણ હતું. આવા મુશ્કેલ સમયમાં, ગુજરાતના નવાનગરના જામ સાહેબ, મહારાજા દિગ્વિજય સિંહજીએ જે મહાન કાર્ય કર્યા, તે આજે પણ આપણને પ્રેરણા આપે છે. જામ સાહેબ કોઈ વ્યૂહાત્મક જોડાણ કે યુદ્ધ વ્યૂહરચના વિશે વિચારતા ન હતા. તેના બદલે, તેમની ચિંતા એ હતી કે કેવી રીતે વિશ્વયુદ્ધ દરમિયાન પોલિશ યહૂદી બાળકોનું રક્ષણ કરવું. તેમણે ગુજરાતમાં હજારો બાળકોને આશ્રય આપ્યો અને તેમને નવું જીવન આપ્યું, જે આજે પણ એક ઉદાહરણ છે.”

પીએમ મોદીએ આગળ કહ્યું, “ચોથું કાશી-તમિલ સંગમ 2 ડિસેમ્બરથી કાશીના નમો ઘાટ ખાતે શરૂ થઈ રહ્યું છે. આ વર્ષના કાશી-તમિલ સંગમની થીમ ખૂબ જ રસપ્રદ છે – Learn Tamil – તમિલ કરકલમ. કાશી-તમિલ સંગમ એ બધા લોકો માટે એક મહત્ત્વપૂર્ણ પ્લેટફોર્મ બની ગયું છે જેમને તમિલ ભાષા પ્રત્યે લગાવ છે.”

Exit mobile version