
અમદાવાદ જિલ્લાના સાણંદ પંથકમાં ફરી એકવાર હિંસક પ્રાણી દીપડાની હાજરીના સ્પષ્ટ પુરાવા મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે સળવળાટ અને દહેશતનો માહોલ સર્જાયો છે. સાણંદ નગરની સીમમાં દીપડાના પંજાના તાજા નિશાન મળી આવ્યા છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભય વ્યાપી ગયો છે. અગાઉ પણ 17 અને 18 ઓગસ્ટના રોજ જુદા જુદા વિસ્તારોમાં દીપડો હોવાના સંકેતો મળ્યા હતા. જોકે, આ વખતે પંજાના નિશાનની સાથે કૂતરાનું મારણ કર્યાના પુરાવા પણ સામે આવ્યા છે, જેથી પંથકમાં પ્રાણીની સક્રિયતા ચોક્કસ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
મારણ અને પંજાના નિશાન મળ્યા બાદ આસપાસના ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. લોકો પોતાના પશુઓની સુરક્ષા તેમજ રાત્રિના સમયે ખેતરે જવા બાબતે ચિંતિત બન્યા છે. મહત્વની વાત એ છે કે, ઓગસ્ટ માસમાં મળેલા પુરાવાઓથી લઈને આજ સુધી કોઈ પણ ગ્રામજન કે અધિકારીએ દીપડાને પ્રત્યક્ષ રીતે નજરે જોયો નથી. માત્ર પંજાના નિશાનો અને શિકારના અવશેષો પરથી જ તેની હાજરી નક્કી કરવામાં આવી રહી છે, જેના લીધે લોકોમાં વધુ અસમંજસ અને ડરનો માહોલ છે.
સ્થાનિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તે વિસ્તારમાં પાંજરું પણ મૂકી દેવામાં આવ્યું
નવા પુરાવા સામે આવતા જ વન વિભાગની ટીમ તુરંત હરકતમાં આવી ગઈ છે. વન વિભાગના અધિકારીઓએ પંજાના નિશાન અને મારણ વાળા સ્થળ આસપાસ ઘેન અને સઘન તપાસ હાથ ધરી છે. પ્રાણીને વહેલી તકે કબ્જે કરવા માટે અને સ્થાનિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તે વિસ્તારમાં પાંજરું પણ મૂકી દેવામાં આવ્યું છે. આ સાથે વન વિભાગ દ્વારા ગ્રામજનોને રાત્રિના સમયે એકલા ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
