
વરસાદી વાતાવરણ આહલાદક તો લાગે છે, વરસાદ પછી ચારેતરફ ઠંડક પ્રસરી જાય છે અને હરીયાળી છવાઈ જાય છે. પરંતુ તેની સાથે રોગચાળો પણ વધે છે. ચોમાસામાં શરદી, તાવ, ઉધરસ જેવા રોગ સૌથી વધુ ફેલાય છે. તેનું મુખ્ય કારણ હોય છે ઓછી રોગપ્રતિકારક શક્તિ. સ્વાદના ચક્કરમાં આપણે એવી વસ્તુઓ ખાતા જ નથી જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે. આ વર્ષે જો ચોમાસામાં તમારે બીમારીથી બચવું હોય તો આહારમાં આ 3 માંથી શક્ય હોય એટલી વસ્તુઓ સામેલ કરી લો. આ વસ્તુઓ રોગ પ્રતિકારક શક્તિ 100 ની સ્પીડે વધારશે.
ચોમાસામાં શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આમળા સહિતના વિટામિન સી યુક્ત ફળ ખાવા જોઈએ. આવા ફળ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેનાથી ઈમ્યુનિટી વધારે છે અને ઈંફેકશનનું જોખમ ઘટે છે. ચોમાસામાં પપૈયા, દાડમ અને જામફળ ખાવાથી પણ વ્હાઈટ બ્લડ સેલ્સ વધે છે.
હળદરવાળુ દૂધ
હળદરની તાસીર ગરમ હોય છે. ચોમાસામાં દૂધમાં હળદર ઉમેરી પીવાથી શરીરને બીમારી સામે લડવાની શક્તિ મળે છે. હળદર શક્તિશાળી એન્ટી ઓક્સીડન્ટ છે. દૂધમાં હળદર ઉમેરી દૂધ ઉકાળી તેમાં મરી પાવડર ઉમેરીને પીવું જોઈએ. તેનાથી શરદી, ઉધરસમાં પણ રાહતનો અનુભવ થાય છે.
દહીં-છાશ
વાતાવરણમાં થયેલા ફેરફારના કારણે પાચન શક્તિ મંદ પડી જાય છે. આ સમયે ગટ હેલ્થ સુધારવા માટે દહીં અને છાશનું સેવન કરવું ફાયદાકારક રહે છે. દહીં અને છાશમાં ગુડ બેક્ટેરિયા હોય છે જે ગટ હેલ્થ સુધારે છે.
લસણ, આદુ
આહારમાં લસણ અને આદુનો પણ સમાવેશ કરવો. આદુ અને લસણના પોષકતત્વો અને એન્ટી બેક્ટેરિયલ ગુણ શરીરને રોગ સામે લડવાની શક્તિ આપશે.
આહારમાં આ વસ્તુઓ લેવા ઉપરાંત કેટલીક વાતોનું ધ્યાન રાખવું. ચોમાસા દરમિયાન શું ન ખાવું એ પણ સમજવું જરૂરી છે. વરસાદી વાતાવરણમાં કેવી વસ્તુઓ ખાવાનું ટાળવું એ પણ જાણી લો.
– ઠંડા પીણા અને ઠંડું પાણી પીવાનું ટાળવું.
– ખુલ્લામાં મળતા કાપેલા ફળ ખાવાનું ટાળવું.
– ખુલ્લી જગ્યામાં મળતું ફાસ્ટફુડ ટાળવું.
– ભારે અને તળેલો ખોરાક ટાળવો.
