
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 25 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ ગુજરાતમાં 1,400 કરોડ રૂપિયાથી વધુના રેલવે પ્રોજેક્ટ્સની ભેટ આપશે. આ અવસર પર બે મહત્વપૂર્ણ નવી રેલવે સેવાઓ કડી અને સાબરમતી વચ્ચે નવી યાત્રી મેમૂ ટ્રેન સેવા તથા બેચરાજીથી કાર-લોડેડ માલગાડીને અમદાવાદમાં આયોજિત કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી લીલી ઝંડી બતાવી શુભારંભ કરશે.
પીએમ મોદીના પ્રોજેક્ટ્સથી ખાસ કરીને ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાઓને લાભ થશે. રેલવે પ્રોજેક્ટ્સ રિજનલ કનેક્ટિવિટી, ઔદ્યોગિક વિકાસ, લૉજિસ્ટિક્સ કાર્યક્ષમતા અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપશે
કલોલ-કડી-કટોસણ રોડ મીટર ગેજ સેક્શન 15 સપ્ટેમ્બર 2017 ના રોજ બ્રૉડ ગેજમાં રૂપાંતરણ માટે બંધ કરી દેવામાં આવ્યું હતુx, લગભગ 8 વર્ષ પછી પહેલી વાર મીટર ગેજથી રૂપાંતરિત બ્રૉડ ગેજ લાઈન પર કડીથી સાબરમતી વચ્ચે પહેલી મેમૂ ટ્રેનની શરૂઆત થવા જઈ રહી છે જેનાથી અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના રેલવે યાત્રીઓને સીધો ફાયદો મળશે. આ ટ્રેન સેવા દૈનિક યાત્રીઓ, વિદ્યાર્થીઓ, ઓફિસે જનારા અને સ્થાનિક શ્રમિકો માટે ઝડપી, સુરક્ષિત, વિશ્વાસપાત્ર અને કિફાયતી યાત્રા કરાવશે. અમદાવાદ (સાબરમતી) થી કડી વચ્ચે આ ટ્રેન અત્યંત લાભકારક સિદ્ધ થશે, જ્યાં હાલમાં અમદાવાદથી કડી સુધીનું બસ ભાડું રૂ.80થી રૂ.150 તથા ટેક્સી ભાડું રૂ. 800 થી રૂ.1200ની વચ્ચે છે અને યાત્રામાં 1 થી 1.30 કલાક જેટલો સમય લાગે છે. પરંતુ આ ટ્રેન સેવા શરૂ થતાં જ યાત્રીઓનો સમય અને પૈસા બંને બચશે. સાથે જ આ ધાર્મિક સ્થળો અને પર્યટન સ્થળો સુધીની પહોંચને સુગમ બનાવીને ક્ષેત્રની પર્યટન ક્ષમતાને પણ વધારશે. ઉત્તમ યાત્રી સંપર્કથી સ્થાનિક વ્યવસાય, વ્યાપારી અને સર્વિસ પ્રોવાઈડર્સ નવા અવસરોથી લાભ મેળવશે, જેનાથી ક્ષેત્રીય અર્થવ્યવસ્થાને ગતિ મળશે.
બેચરાજીથી કાર-લોડેડ માલગાડીની શરૂઆત
ગુજરાતના ઔદ્યોગિક પરિદ્રશ્યમાં નવી ઊર્જાનો સંચાર કરશે. ઑટોમોબાઈલ ઉત્પાદન અને સંલગ્ન ઉદ્યોગોનું મુખ્ય કેન્દ્ર હોવાને લીધે બેચરાજીને હવે ઉત્તમ લોજિસ્ટિક સમર્થન તથા રાજ્ય અને દેશના અન્ય ભાગો સુધી સુદૃઢ કનેક્ટિવિટીનો લાભ મળશે. આ સેવા પરિવહન પડતર ઘટાડશે, આપૂર્તિ શ્રેણી નેટવર્કનો વિસ્તાર કરશે અને માલની ઝડપી અવરજવર સુનિશ્ચિત કરશે. આનાથી ફક્ત ઑટોમોબાઈલ અને ઉત્પાદન ક્ષેત્રનો વિકાસ જ નહીં થાય પરંતુ નવા રોજગારના અવસરો સર્જિત થશે.
આ બંને રેલવે સેવાઓ મળીને ગુજરાતમાં સ્થાયી, પર્યાવરણ-અનુકૂળ અને ઝડપી ગતિના પરિવહન ઈકોસિસ્ટમના નિર્માણમાં યોગદાન આપશે. યાત્રા સમયમાં ઘટાડો, કનેક્ટિવિટીમાં સુધારો અને ઔદ્યોગિક રોકાણને પ્રોત્સાહન આપવાની સાથે આ શરૂઆત અર્થવ્યવસ્થાને સશક્ત બનાવશે અને લાંબાગાળાના સામાજિક-આર્થિક લાભ સુનિશ્ચિત કરશે.
ભારતીય રેલવેની આ શરૂઆત ક્ષેત્રીય વિકાસને ગતિ આપવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે અને ગુજરાતની વિકાસ યાત્રાને નવી દિશા આપશે. સાથે જ, આ ‘વિકસિત ભારત 2047’ ના રાષ્ટ્રીય વિઝનમાં પણ મહત્વનો ફાળો આપશે.
