
દિલ્હી એરપોર્ટ પર ટેકઓફ દરમિયાન સ્વિસ વિમાનનું એન્જિન ફેઈલ થઈ ગયું. સ્વિસ એરલાઇન્સની ફ્લાઇટ LX147 ગઈ મોડી રાત્રે 1:08 વાગ્યે ઉડાન ભરવાની તૈયારીમાં હતી ત્યારે તેનું એક એન્જિન ફેઈલ થઈ ગયું અને તેમાં આગ લાગી ગઈ. પાયલોટે તાત્કાલિક વિમાનને રોકી દીધું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે રનવે પર ઇમરજન્સી સ્લાઇડ્સનો ઉપયોગ કરીને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. 6 મુસાફરો ઘાયલ થયા હતા. ફ્લાઇટ સ્વિટ્ઝર્લૅન્ડના ઝુરિચ જઈ રહી હતી.
સ્વિસ એરલાઇન્સે એક નિવેદનમાં જણાવ્યું કે દિલ્હીમાં ફ્લાઇટ LX147 સાથે સંકળાયેલી ઘટનાની અમને જાણ કરવામાં આવી છે. ખામી સર્જાયેલ વિમાન એરબસ A330 છે. આ ઘટના ભારતીય સમય મુજબ રાત્રે 1 વાગ્યા પછી બની હતી. જેમ જેમ વિમાન ટેકઓફ માટે રનવે પર પહોંચ્યું, ત્યારે ડાબા લેન્ડિંગ ગિયરમાંથી ધુમાડો નીકળતો દેખાયો, જેના કારણે ફ્લાઇટને તાત્કાલિક ગ્રાઉન્ડ કરવામાં આવી.
એરલાઇને જણાવ્યું હતું કે, અમારી સ્થાનિક ટીમો ઘટનાસ્થળે હાજર છે અને મુસાફરોની સંભાળ રાખી રહી છે. અમે આ બાબતે સ્થાનિક અધિકારીઓ સાથે કામ કરી રહ્યા છીએ. આ ઘટના પાછળના સંજોગોને સંપૂર્ણ રીતે સમજવા માટે અમારી ટીમ ટૂંક સમયમાં દિલ્હી જશે.
