
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં આજે (11 ઓગસ્ટ) ઈન્કમટેક્સ એમેન્ડમેન્ટ બિલ 2025 (Revised Income Tax Bill, 2025) રજૂ કર્યું છે. આ બિલ શુક્રવારે (7 ઓગસ્ટ) લોકસભામાં રજૂ કરાયું હતું, પરંતુ લોકસભા સ્થગિત થવાના કારણે તેમણે બિલ પરત ખેંચી લેવું પડ્યું હતું. 1961ના આવકવેરા ધારાને સરળ બનાવીને તેનું સ્થાન લેવા માટે તૈયાર કરવામાં આવેલા ઈન્કમટેક્સ સુધારા ખરડામાં કાયદાને સરળ બનાવવાનું અને દંડને ઓછો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવા સુધારેલા બિલમાં બૈજયંત પાંડાની આગેવાની હેઠળનીસમિતિ દ્વારા કરવામાં આવેલી મોટાભાગની ભલામણોનો સ્વીકાર કરવામાં આવ્યો છે. નવું આવકવેરા બિલ બંને ગૃહોમાં પાસ થયા પછી કાયદો બનશે, જે લગભગ 6 દાયકા જૂના આવકવેરા કાયદા, 1961નું સ્થાન લેશે.
શુક્રવારે ઈન્કમટેક્સ બિલ પરત ખેંચી લેવાયું હતું, પછી કમિટીની ભલામણ બાદ કેન્દ્ર સરકારે તેમાં કેટલાક ફેરફાર કર્યા છે, ત્યારબાદ આજે ફરી સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે. આ મુદ્દે સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું કે, ‘હવે એવું કહી શકાય કે, ઈન્કમટેક્સ હવે સંપૂર્ણ નવું હશે, બિલ પર ઘણું કામ કરવામાં આવ્યું છે. તે જૂના બિલ કરતા તદ્દન અલગ હશે.’
લોકસભા પસંદગી સમિતીની અધ્યક્ષતા કરનારા ભાજપ નેતા બૈજયંત પાંડાએ ‘ઈન્કમટેક્સ એમેન્ડમેન્ટ બિલ 2025’માં 285 સુધારા કરવાનું સૂચન આપ્યું હતું, જેને કેન્દ્ર સરકારે સ્વિકારી લીધું છે. ઈન્કમટેક્સના જૂના બિલમાં ઘણી મૂંઝવણો છે, જેના કારણે હવે તેને નવા ફેરફાર સાથે રજૂ કરવામાં આવ્યું છે.
નાણામંત્રીએ ફેબ્રુઆરી બિલ અંગે આ જવાબ આપ્યો
નાણામંત્રી નિર્મલા સિતારમણે કહ્યું હતું કે, સંસદમાં 13 ફેબ્રુઆરીએ રજૂ કરાયેલા બિલ અનુસંધાને નવા આવકવેરા બિલ માટેના સુચનો મળ્યા હતા. તે સૂચનો અંતર્ગત યોગ્ય કાયદાકીય સ્વરૂપમાં સુધારા કરવામાં આવ્યા છે. લોકોની મૂંઝવણ ટાળવા માટે અગાઉનું બિલ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું અને આ નવો ડ્રાફ્ટ આવકવેરા અધિનિયમ, 1961 ને બદલવા માટે આધાર તરીકે કામ કરશે.
પસંદગી સમિતિની મુખ્ય ભલામણો
સંસદીય પેનલે 13 ફેબ્રુઆરીએ રજૂ થયેલા મુસદ્દામાં ઘણી ભૂલો દર્શાવી સાથે જ અસ્પષ્ટતા ઘટાડવા માટે સુધારા સૂચવ્યા હતા. પેનલ દ્વારા કરવામાં આવેલા સૂચનોનો મોટાભાગનો અમલ કરાયો છે.
કલમ 21 (મિલકતનું વાર્ષિક મૂલ્ય): “સામાન્ય રીતે” શબ્દો કાઢી નાખીને ખાલી મિલકતો માટે વાસ્તવિક ભાડું અને “માનવામાં આવેલ ભાડું” વચ્ચે સ્પષ્ટ તુલના ઉમેરવામાં આવી.
કલમ 22 (ઘરની મિલકતની આવકમાંથી કપાત): સ્પષ્ટતા કરો કે મ્યુનિસિપલ ટેક્સ કપાત પછી 30% માનક કપાત લાગુ પડે છે; બાંધકામ પહેલાં પૂર્વ વ્યાજ કપાતને ભાડે આપેલી મિલકતો સુધી લંબાવો.
કલમ 19 (પગાર કપાત – અનુસૂચિ VII): ભંડોળમાંથી પેન્શન મેળવતા બિન-કર્મચારીઓ માટે સુધારેલ પેન્શન કપાતને મંજૂરી આપો.
કલમ 20 (વાણિજ્યિક મિલકત): “ઘરની મિલકત” આવક તરીકે અસ્થાયી રૂપે ન વપરાયેલી વાણિજ્યિક મિલકતો પર ટેક્સ નાંખવાનું ટાળવા પરિભાષામાં સુધારો કરો.
સમિતિએ જણાવ્યું હતું કે આ ફેરફારો ન્યાયીતા અને સ્પષ્ટતામાં સુધારો કરશે અને કાયદાને હાલની જોગવાઈઓ સાથે સુસંગત બનાવશે.
કમિટીએ 21 જુલાઈએ ઈન્કમટેક્સ બિલ અંગેના સૂચનો રજૂ કર્યા હતા. હવે આ સૂચનોને નવા બિલમાં જોડવામાં આવ્યા છે. કમિટીએ કંપનીઓ વચ્ચે ડિવિડંડનું વિતરણ કરવાને લગતી કલમ 80 (એમ) અંગે પણ કેટલા સુધારાઓ સૂચવ્યા છે. કંપનીઓ વચ્ચે ડિવિડંડની વહેંચણી થાય ત્યારે કલમ 115બીએએની જોગવાઈનો લાભ આપવામાં આવતો હતો. આ ડિવિડંડ પર સ્પેશિયલ રેટ લગાડવામાં આવી રહ્યો છે. ડ્રાફ્ટ બિલમાં આ બાબતનો ઉલ્લેખ કરવાનો જ રહી ગયો હતો. સિલેક્ટ કમિટીએ આ બાબત પરત્વે ધ્યાન દોર્યું હતું. સિલેક્ટ કમિટીએ સૂચવેલા મોટાભાગના સુધારાઓ સમાવી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સુધારાઓમાં આવકવેરાના નિયમો કે કલમોનો ભંગ કરવા બદલ અગાઉના બિલમાં બહુ જ મોટી રકમનો દંડ કરવામાં આવતો હતો. હવે આ દંડની રકમ ખાસ્સી ઓછી કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કરદાતા ડયૂ ડેટ પછી તેનું રિટર્ન ફાઈલ કરે તો તેને રિફંડ આપવાની ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવેલા ખરડામાં ના પાડી દેવામાં આવી હતી. આ રિફંડ આપી દેવાનું સૂચન સિલેક્ટ કમિટીએ જણાવ્યું છે. કરદાતાએ ફ્લેટ ખરીદ્યો હોય અને બાંકામ કામ ફાઈનલ ન થયું હોય તો પહેલા લોન લઈને હપ્તા ભર્યા હોય તો તે રકમ વેરામાં બાદ આપવામાં આવતી નહોતી. હવે તે રકમ પણ બાદ આપવાની ભલામણ કરવામાં આવી છે. હા, તેને માટે જૂની સિસ્ટમ મુજબ રિટર્ન ફાઈલ કરવાનું આવશે. સૌ પ્રથમ તો કોઈ વ્યક્તિ ફ્લેટની ખરીદી કરવા માટે બેન્કમાંથી લોનનો ઉપાડ કરે છે. તે પ્રોપર્ટીનું બાંધકામ થાય તે પહેલા જ તેના પર વ્યાજ ચૂકવે છે. વ્યાજની આ રકમ કરદાતાને આવકમાંથી બાદ આપવામાં આવતી નથી. માત્ર પોતાની માલિકીની મિલકતમાં જ લોનના વ્યાજની ચૂકવણીની રકમ આવકમાંથી બાદ આપવામાં આવે છે. સિલેક્ટ કમિટીએ સૂચવેલા મોટા સુધારામાંનો આ એક સુધારો છે.
