
દિવસેને દિવસે સોનાના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે ત્યારે 10 ગ્રામ સોનાનો ભાવ 1 લાખ 41 હજારને પાર પહોંચી ગયો છે. સોનાનો ભાવ હજુ પણ વધે તેવી નિષ્ણાંતો દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, સોનામાં 30 દિવસમાં પ્રતિ 10 ગ્રામે 10 હજારનો વધારો થયો છે. આવનારી લગ્ન સીઝનને લઈને પણ લોકો ચિંતામાં છે કેમ કે સોના અને ચાંદીના ભાવો આસમાને જઈ રહ્યા છે. ચાંદીની વાત કરવામાં આવે તો આવનારા સમયમાં ચાંદીની કિંમત 3 લાખને પાર જવાની સંભાવનાઓ સેવાઈ રહીં છે. સોના-ચાંદીના ભાવમાં તેજી યથાવત્ રહેવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. જો આવોને આવો ભાવ રહ્યો તો આવનારા સમયમાં સામાન્ય માણસ માટે સોનું- ચાંદી ખરીદવું પડકાર રૂપ સાબિત થશે. સામાન્ય પરિવારોમાં લગ્ન સમયે સોનાની ખરીદી કરવામાં આવતી હોય છે. અત્યારે હાલ આપડે સોની બજારોની વાત કરીએ તો સોની બજારોમાં પહેલા કરતા ભીડ ઓછી જોવા મળી રહી છે.
- આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી : વિશ્વભરમાં સોના અને ચાંદીના ભાવ રેકોર્ડ ઊંચા સ્તરે છે. તેની સીધી અસર ભારતીય બજાર પર પણ પડી રહી છે.
- ETFમાં વધતું રોકાણ : શેર બજારમાં અસ્થિરતા હોવાથી રોકાણકારો હવે સલામત વિકલ્પ તરીકે સોના અને ચાંદીના ETF તરફ વળી રહ્યા છે. આ કારણે તેમની માંગ સતત વધી રહી છે.
- ડોલરની નબળાઈ અને વ્યાજ દરની અપેક્ષા : ડોલર નબળો થતો જાય છે અને અમેરિકામાં વ્યાજ દર ઘટવાની શક્યતા છે. આવા માહોલમાં સોનું અને ચાંદી વધુ આકર્ષક બન્યા છે.
- ચાંદીની ઔદ્યોગિક માંગ : ઇલેક્ટ્રોનિક્સ, સોલાર પેનલ અને ગ્રીન ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં ચાંદીનો ઉપયોગ વધી રહ્યો છે. આથી ચાંદીની ઔદ્યોગિક માંગમાં મોટો વધારો થયો છે.
- રાજકીય અશાંતિ અને વૈશ્વિક તણાવ : વિશ્વના વિવિધ દેશોમાં ચાલી રહેલા સંઘર્ષ, તેલના ભાવ અને રાજકીય અનિશ્ચિતતાને કારણે રોકાણકારો જોખમ ટાળવા સોનું–ચાંદી ખરીદી રહ્યા છે.
- કેન્દ્રિય બેંકોની ખરીદી : ઘણા દેશોની સેન્ટ્રલ બેંકો પણ મોટી માત્રામાં સોનું ખરીદી રહી છે, જેના કારણે ભાવને સતત ટેકો મળી રહ્યો છે.
