Site icon Time News

EPFO New Rules: સરકારે EPFOની 15,000ની લિમિટમાં કર્યો વધારો, PF-પેન્શનમાં થશે વધુ બચત

ઘણા સમયથી, ઘણા કર્મચારી સંગઠનો EPS પગાર મર્યાદામાં વધારો કરવાની માંગ કરી રહ્યા હતા. નાણા મંત્રાલયે તાજેતરમાં આને મંજૂરી આપી છે, જેનાથી કર્મચારીઓમાં ખુશી છવાઈ હતી. હવે કર્મચારીઓની પીએફ સંબંધિત પેન્શનની બચત વધુ થઈ જશે. જેને લઈને તાજેતરમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. 

કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે EPF અને EPS માટે પગાર મર્યાદા વધારવાની તૈયારી કરી છે. નાણા મંત્રાલયે ફરજિયાત નિવૃત્તિ ભંડોળ માટે પગાર મર્યાદા ₹15,000 થી વધારીને ₹25,000 પ્રતિ માસ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ પ્રસ્તાવ હવે કેબિનેટની મંજૂરી માટે મોકલવામાં આવશે, ત્યારબાદ નવી મર્યાદાના અમલીકરણની તારીખ નક્કી કરવામાં આવશે.

આ નવી મર્યાદાના અમલીકરણ સાથે ₹15,000 થી ₹25,000 ની વચ્ચે કમાણી કરતા મોટી સંખ્યામાં કર્મચારીઓને પણ ભવિષ્યમાં બચત અને પેન્શન લાભો મળશે. આનાથી ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓની સામાજિક સુરક્ષામાં વધારો થઈ શકે છે.

સરકાર દ્વારા લાગુ કરવામાં આવી રહેલા આ ફેરફારથી કંપનીઓ પર પણ અસર પડશે. EPF અને EPSમાં વધુ કર્મચારીઓની નોંધણી કરવાથી કંપનીઓને વધુ યોગદાન આપવાની જરૂર પડશે. આનાથી તેમના પગાર ખર્ચમાં વધારો થઈ શકે છે. EPF સિસ્ટમ હેઠળ નોકરીદાતાઓ તેમની બેસિક સેલેરીના 8.33 ટકા પેન્શન ફંડમાં ફાળો આપે છે, જ્યારે સરકાર 1.16 ટકા ફાળો આપે છે. પરિણામે કર્મચારીઓની સંખ્યા વધવાની સાથે સરકારી ખર્ચ પણ વધી શકે છે. નાણાકીય વર્ષ 2026-27માં EPS માટે ₹11,144 કરોડનું  બજેટ ફાળવવામાં આવ્યું છે.

જો આ દરખાસ્ત પાસ થાય છે તો ₹15,000 થી ₹25,000 સુધીની બેસિક સેલેરી ધરાવતા કર્મચારીઓને પણ EPF અને EPS દ્વારા ફરજિયાતપણે આવરી લેવામાં આવશે. હાલમાં, ₹15,000 સુધીની બેસિક સેલેરી કર્મચારીઓને આ યોજનાઓમાં જોડાવાની જરૂર હતી. આ રકમથી વધુ કમાણી કરતા કર્મચારીઓ આ યોજનામાંથી બહાર રહી શકતા હતા અને તેમના નોકરીદાતાઓ કાયદેસર રીતે તેમને નોંધણી કરાવવા માટે બંધાયેલા ન હતા.

કેબિનેટની મંજૂરી પછી કંપનીઓને તેમની પેરોલ સિસ્ટમ અને જરૂરી પ્રક્રિયાઓમાં ફેરફાર કરવા માટે સમય આપવામાં આવી શકે છે. તેથી, આ નિયમ તાત્કાલિક લાગુ કરવામાં આવશે નહીં. હાલમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નવી EPF પગાર મર્યાદા 1 એપ્રિલ, 2027થી લાગુ કરવામાં આવશે. જોકે, અંતિમ તારીખ કેબિનેટની મંજૂરી અને સરકારના નિર્ણય પછી જ નક્કી કરવામાં આવશે.

Exit mobile version