
ગુજરાતમાં રવિવારે (26 એપ્રિલ, 2026) 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની ચૂંટણી માટે સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી એકદમ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. રાજ્ય ચૂંટણી આયોગે જાહેર કરેલા અંતિમ આંકડા મુજબ, આ વખતે ગ્રામ્ય વિસ્તારો એટલે કે તાલુકા અને જિલ્લા પંચાયતોમાં શહેરી મતદારોની સરખામણીમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો છે. એકાદ બે નાની-મોટી ટેકનિકલ ખામીઓને બાદ કરતા સમગ્ર રાજ્યમાં ક્યાંય કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. હવે સૌની નજર 28 એપ્રિલે યોજાનારી મતગણતરી પર ટકેલી છે.
રાજ્ય ચૂંટણી આયોગના આંકડા પર નજર કરીએ તો, 15 મહાનગરપાલિકાઓમાં કુલ 49.02% મતદાન નોંધાયું છે, જેમાં પુરુષોએ 52.57% અને મહિલાઓએ 45.20% મતદાન કર્યું છે. બીજી બાજુ, 84 નગરપાલિકાઓમાં સરેરાશ 59.50% વોટિંગ થયું છે (ખાલી પડેલી 13 બેઠકોની પેટા ચૂંટણીમાં 55.38% વોટિંગ). પરંતુ સૌથી વધુ ઉત્સાહ ગ્રામ્ય કક્ષાએ જોવા મળ્યો છે, જ્યાં 34 જિલ્લા પંચાયતોમાં 61.69% અને 260 તાલુકા પંચાયતોમાં રેકોર્ડબ્રેક 62.38% જંગી મતદાન નોંધાયું છે.
જોકે, સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ મતદાન વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા તાલુકાના જેપર ગામમાં એક નાની અડચણ આવી હતી. અહીં મતદાન મથક નંબર 4/5 પર EVM મશીનમાં ટેકનિકલ ખામી સર્જાતા મતદારોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ક્ષતિને ધ્યાનમાં રાખીને, ચૂંટણી આયોગે આ એકમાત્ર મથક પર તાલુકા અને જિલ્લા પંચાયત માટે આજે એટલે કે 27 એપ્રિલે સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી ફરીથી (પુનઃ) મતદાન યોજવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત, આખા રાજ્યમાં મતદાન પ્રક્રિયા દરમિયાન અલગ-અલગ કારણોસર કુલ 152 કંટ્રોલ યુનિટ (CU) અને 248 બેલેટ યુનિટ (BU) બદલવા પડ્યા હતા.
મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પાર પડતા રાજ્ય ચૂંટણી આયોગના સચિવ આર. જી. ગોહિલે તમામ મતદારો, ઉમેદવારો, પોલીસ અને ચૂંટણી ફરજ બજાવતા કર્મચારીઓનો આભાર માન્યો હતો. હવે 28 એપ્રિલની સવારે 9 વાગ્યાથી તમામ બેઠકો પર મતગણતરી શરૂ થશે અને બપોર સુધીમાં હાર-જીતનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
