Site icon Time News

સુરતમાં 10મા માળેથી પડેલા વૃદ્ધ 8મા માળની ગ્રીલમાં અટક્યા, ફાયર જવાનોએ યમરાજના મુખમાંથી બચાવ્યા!

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આજે એક એવી ઘટના બની જેણે સ્થાનિક રહીશોના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. જહાંગીરાબાદ ડી-માર્ટ પાસે આવેલી એક હાઈરાઈઝ બિલ્ડિંગમાં 10મા માળેથી પટકાયેલા 57 વર્ષીય વૃદ્ધ નસીબજોગે 8મા માળની બારીની ગ્રીલમાં ફસાઈ જતાં તેમનો ચમત્કારિક બચાવ થયો હતો. સુરત ફાયર વિભાગની એક કલાકની ભારે જહેમત બાદ તેમને સહીસલામત નીચે ઉતારવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, રાંદેરના જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલ ‘ટાઈમ ગેલેક્સી’ બિલ્ડિંગના A-ટાવરમાં 10મા માળે 57 વર્ષીય વૃદ્ધ રહે છે. આજે સવારે તેઓ પોતાના ઘરની બારી પાસે સૂતા હતા, તે દરમિયાન અચાનક સંતુલન બગડતા અથવા અન્ય કોઈ કારણોસર તેઓ બારીમાંથી નીચે પટકાયા હતા.

10મા માળેથી નીચે પડી રહેલા વૃદ્ધ સીધા જમીન પર પટકાયા હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત, પરંતુ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. તેમનો પગ 8મા માળની બારીની બહાર લગાવેલી લોખંડની સુરક્ષા જાળીમાં (ગ્રીલ) ફસાઈ ગયો હતો. વૃદ્ધ જાળીમાં ઊંધા લટકી ગયા હતા અને મોત સામે ઝઝૂમી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈ આસપાસના લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.

ફાયર બ્રિગેડનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન

ઘટનાની જાણ થતા જ ફાયર કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક રાંદેર અને આસપાસના ફાયર સ્ટેશનોની ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયરના જવાનોએ જોયું કે વૃદ્ધનો પગ ગંભીર રીતે ગ્રીલમાં ફસાયેલો છે, તેથી તેમણે કટરની મદદથી 8મા માળે જાળી કાપવાની કામગીરી શરૂ કરી હતી. ઊંચાઈ વધુ હોવાથી અને પવનના કારણે રેસ્ક્યુ ઓપરેશન પડકારજનક હતું. જોકે, ફાયરના જવાનોએ અત્યંત સાવચેતીપૂર્વક મહા મહેનત બાદ વૃદ્ધને જાળીમાંથી મુક્ત કર્યા હતા.

હોસ્પિટલ ખસેડાયા

ફાયર વિભાગે વૃદ્ધને જીવિત રેસ્ક્યુ કરી સલામત રીતે નીચે ઉતારતા જ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સ્થળ પર હાજર 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક નજીકની ગુરુકૃપા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

Exit mobile version