
અમદાવાદમાં ડ્રગ્સ વિરુદ્ધ પોલીસની કામગીરી દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ભાટ ગામ વિસ્તારમાં MD ડ્રગ્સ અંગે મળેલી બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે રેડ પાડી હતી. જોકે, કાર્યવાહી દરમિયાન આરોપીઓ બેફામ બની પોલીસ પર જ હુમલો કરી બેઠા હતા.
માહિતી અનુસાર, ક્રાઈમ બ્રાન્ચની ટીમે એક શંકાસ્પદ વ્યક્તિને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન આરોપીઓએ વિરોધ કરી હિંસક વલણ અપનાવ્યું અને ટીમ પર હુમલો કર્યો. હુમલામાં એક PSI પર છરી વડે પ્રહાર કરવામાં આવ્યો, જેને કારણે તેઓ ઈજાગ્રસ્ત થયા હતા.ઈજાગ્રસ્ત PSIને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે આ કાર્યવાહી દરમિયાન આશરે 300 ગ્રામ જેટલું MD ડ્રગ્સ જપ્ત કર્યું છે. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ તેજ કરવામાં આવી છે.
ક્રાઈમ બ્રાન્ચે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી વ્યક્ત કરી છે.
