
‘2008ને ભૂલશો નહીં, બિગ સરપ્રાઈઝ ફોર ઈન્ડિયન ગવર્નમેન્ટ’નો ધમકીભર્યો ઈમેઈલ આજે 3 નવેમ્બરે ગુજરાતની DGP ઓફિસને મળ્યો હતા. જે ધમકીભર્યાં મેઈલમાં DGP ઓફિસ ગાંધીનગર, કલેક્ટર ઓફિસ, 1 મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી. ખાલિસ્તાનના નામથી કોઈ અજાણ્યા શખસે આ ઈમેલ મોકલ્યો હતો. પાકિસ્તાન જિંદાબાદ અને ખાલિસ્તાન જિંદાબાદની સાથે અલ્લાહુ અકબરનો પણ આ ધમકી ભર્યાં ઈમેઈલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ધમકીભર્યો ઈમેઈલ મળતા જ અમદાવાદની સાબરમતી જેલ સહિત રાજ્યની તમામ જેલમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. સાબરમતી જેલમાં લોરેન્સ બિશ્નોઈ સહિત આતંકીઓ પણ કેદ છે , ત્યારે જેલમાં ડોગ સ્ક્વોડે પણ ચેકિંગ હાથ ધર્યું હતું.
તો આ તરફ વડોદરા અને રાજકોટની જેલને પણ ધમકી મળતા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. ડોગ સ્કવોડની ટીમે જેલની અંદર તપાસ કરી હતી. જો કે હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ સામે આવી નથી.
7 દિવસ પહેલા જ અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ફરી એકવાર ધમકી મળી હતી. સેટેલાઇટ વિસ્તારની નારાયણ ગુરુ સ્કૂલ, ચાંદખેડાની પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ, સેટેલાઈટની વિદ્યા ભારતી સ્કૂલ અને આંબાવાડીની સી.એન વિધાલય સહિત 8 સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. 21 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજનારા પંજાબી સિંગર દિલજીતના કોન્સર્ટને લઈ પણ ધમકી આપવામાં આવી હતી. એટલું જ નહીં ધમકીભર્યાં મેઈલમાં ઉલ્લેખ કરાયો હતો કે, ‘બચ્ચન બોમ્બેમાં-દિલજીત અમદાવાદમાં બોમ્બ હુમલામાં માર્યાં જશે’.
