Site icon Time News

યૌન શોષણ કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો! ચૂકવવા પડશે 43 કરોડ

યૌન શોષણના કેસમાં પહેલાંથી જ દોષિત જાહેર થઈ ચૂકેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સુપ્રીમ કોર્ટ તરફથી પણ કોઈ રાહત મળી નથી. અમેરિકાની સુપ્રીમ કોર્ટે સોમવાર, 29 જૂનના રોજ ડોનાલ્ડ ટ્રમ્પની એ અપીલને ફગાવી દીધી છે, જેમાં તેમણે જ્યુરીના જૂના ચુકાદાને પલટવાની માંગ કરી હતી. જ્યુરીએ અગાઉ પોતાના ચુકાદામાં માન્યું હતું કે ટ્રમ્પે પૂર્વ કોલમ લેખિકા ઈ. જીન કેરોલનું યૌન શોષણ કર્યું હતું. આ બદલ ટ્રમ્પે પીડિતાને 50 લાખ ડોલર (આશરે 43 કરોડ રૂપિયા)નું આર્થિક વળતર ચૂકવવું પડશે.

એક ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પની આ અરજી પર સુનાવણી કરવાનો જ ઇનકાર કરી દીધો છે. કોર્ટે અન્ય કેટલાક કેસની સાથે જ આ ચુકાદો જાહેર કર્યો હતો અને તેની પાછળ કોઈ ચોક્કસ કારણ આપ્યું નથી. ઉલ્લેખનીય છે કે, 9 મે 2023ના રોજ મેનહટનની એક ફેડરલ સિવિલ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે ટ્રમ્પે વર્ષ 1996માં ન્યૂયોર્કના એક સ્ટોરમાં ઈ. જીન કેરોલનું યૌન શોષણ કર્યું હતું.

સુપ્રીમ કોર્ટના આ આકરા નિર્ણય બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોતાની ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે પોસ્ટમાં લખ્યું કે, ‘એ જાણીને આશ્ચર્ય થાય છે કે સુપ્રીમ કોર્ટે મારા વિરુદ્ધ ચલાવવામાં આવેલા આ ફેક કેસની સમીક્ષા કરવાનો ઇનકાર કરી દીધો. આ કેસ એક એવી મહિલાએ દાખલ કર્યો છે જેને હું ક્યારેય મળ્યો જ નથી. દાયકાઓ જૂનો એક ફોટોગ્રાફ, જેમાં અમે તેના પતિ સાથે એક લાઈનમાં ઊભેલા દેખાઈએ છીએ, તે આ વાતનો પુરાવો હોઈ શકે નહીં.’

ટ્રમ્પે વધુમાં આક્રોશ ઠાલવતા કહ્યું કે, “મારી વિરુદ્ધ કાયદાનો જે ખોટો ઉપયોગ થઈ રહ્યો છે, તેની સામે હું મારી પૂરી તાકાતથી કાનૂની લડાઈ ચાલુ રાખીશ. આ લડાઈમાં માનહાનિના આ મૂર્ખામીભર્યા દાવાનો પણ સમાવેશ થાય છે.’

હવે 82 વર્ષના થઈ ચૂકેલા ઈ. જીન કેરોલે વર્ષ 2019માં પ્રકાશિત થયેલા પોતાના એક પુસ્તકમાં દાવો કર્યો હતો કે 23 વર્ષ પહેલાં એક સ્ટોરના ટ્રાયલ રૂમમાં તેમની સાથે દુષ્કર્મ થયું હતું. તે સમયે રિપબ્લિકન પક્ષના નેતા ડોનાલ્ડ ટ્રમ્પે કેરોલને ‘પાગલ મહિલા’ કહીને બોલાવ્યા હતા. બીજી તરફ, કેરોલના વકીલ રોબર્ટા કેપ્લાને સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને આવકારતા જણાવ્યું છે કે, સુપ્રીમ કોર્ટે ફરી એકવાર જ્યુરીના સર્વસંમત નિર્ણય પર મહોર લગાવી દીધી છે.

આ કાનૂની લડાઈ વચ્ચે એક નવો વળાંક પણ સામે આવ્યો છે. મે મહિનાના અંતમાં અમેરિકન ન્યાય વિભાગે ઈ. જીન કેરોલ વિરુદ્ધ જ એક ગુનાહિત તપાસ શરૂ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ મુજબ, તપાસ અધિકારીઓ એ વાતની તપાસ કરી રહ્યા છે કે શું કેરોલે કોર્ટમાં જુબાની આપતી વખતે શપથ લઈને જૂઠું બોલ્યા હતા?ખાસ કરીને કેરોલના એ નિવેદનની તપાસ થઈ રહી છે જેમાં તેમણે કહ્યું હતું કે, તેમને કેસ લડવા માટે કોઈ બહારની વ્યક્તિ પાસેથી આર્થિક મદદ મળી નથી. જોકે, બાદમાં સામે આવ્યું હતું કે અબજોપતિ રીડ હોફમેને તેમની કાનૂની ફી અને અન્ય ખર્ચનો એક ભાગ ચૂકવ્યો હતો. આ ઘટના બાદ એવા આક્ષેપો થઈ રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પ્રમુખ પદ અને ન્યાય વિભાગનો દુરુપયોગ કરીને પોતાના અંગત રાજકીય વિરોધીઓને નિશાન બનાવી રહ્યા છે.

Exit mobile version