
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતાઓ અને સંગઠનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કોંગ્રેસના નેતાઓ ભલે આવે, પરંતુ તેમની સાથે સત્તા માટે કોઈપણ પ્રકારની સોદાબાજી કરવી જોઈએ નહીં. રાજકોટમાં પોતાના પરિવાર અને સોસાયટીના નાના બાળકો સહિતના લોકો સાથે ધુળેટીની ઉજવણી કરી રહેલા રૂપાણીએ આ મહત્વનું નિવેદન આપ્યું હતું.
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એબીપી અસ્મિતા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ભાજપે પોતાના સિદ્ધાંતો પર અડગ રહેવું જોઈએ અને કોંગ્રેસ સાથે કોઈપણ સંજોગોમાં સત્તા માટે સમજૂતી ન કરવી જોઈએ. તેમણે ધુળેટીના પર્વ નિમિત્તે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓને આ બાબતે ખાસ શીખ આપી હતી.
આ ઉપરાંત, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ કર્યા હતા. તેમણે કોંગ્રેસની નીતિઓ અને નેતૃત્વની ટીકા કરી હતી. ઉલ્લેખનીય છે કે પૂર્વ મુખ્યમંત્રીનું આ મોટું નિવેદન રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે.
