
ઉત્તર પ્રદેશની રાજ્યસભા ચૂંટણી પહેલાં રાજકીય વર્તુળોમાં અચાનક એક એવું નામ સામે આવ્યું છે, જેણે સમગ્ર મામલાને વધુ રસપ્રદ બનાવી દીધો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ટોચના એક્ઝિક્યુટિવ અને કોર્પોરેટ લીડર ધનરાજ નથવાણી ઉત્તર પ્રદેશથી સમાજવાદી પાર્ટીના મેન્ડેટ પર રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવશે. આ ચર્ચા વચ્ચે લખનઉથી લઈને દિલ્હી સુધી રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે.
ગુજરાતના ધનરાજ નાથવાણી ઉત્તર પ્રદેશમાંથી સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ બનશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સિનિયર ગ્રુપ પ્રેસિડેન્ટ એવા 40 વર્ષીય ધનરાજ ગુજરાતમાં વેપાર, રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે સક્રિય વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે જાણીતા છે. તેઓ સવારે 11 વાગ્યે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. ધનરાજભાઈ વરિષ્ઠ સાંસદ પરિમલભાઈ નાથવાણીના પુત્ર છે.ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની 10 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ આ બેઠકો માટે 16 ઓક્ટોબરે સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 6 ઓક્ટોબર છે, જ્યારે 7 ઓક્ટોબરે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારો 9 ઓક્ટોબર સુધી પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકશે. આ ચૂંટણીમાં ઉત્તર પ્રદેશનું ગણિત પણ ખૂબ મહત્વનું છે. વર્તમાન વિધાનસભાની સંખ્યા અને ઉપલબ્ધ આંકડા પ્રમાણે એક રાજ્યસભા ઉમેદવારને જીતવા માટે 37 પ્રથમ પસંદગીના મત જરૂરી છે. ઉત્તર પ્રદેશ વિધાનસભામાં હાલ 397 સભ્યો છે. આ કારણે દરેક બેઠક માટે પક્ષોની સંખ્યાબળની ગણતરી ખૂબ મહત્વની બની છે.
હાલ ખાલી થનારી 10 રાજ્યસભા બેઠકોમાંથી 8 બેઠકો ભાજપ પાસે છે, જ્યારે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી પાસે એક-એક બેઠક છે. ચૂંટણી પછી આ બેઠકોનું ગણિત બદલાઈ શકે છે. હાલના વિધાનસભા આંકડા મુજબ ભાજપના નેતૃત્વવાળા NDA પાસે 8 બેઠકો માટે જરૂરી સંખ્યાબળ છે, જ્યારે સમાજવાદી પાર્ટી બે બેઠકો માટે જરૂરી સંખ્યાબળ ધરાવે છે. આ સ્થિતિમાં સમાજવાદી પાર્ટી તરફથી ધનરાજ નથવાણી જેવા કોર્પોરેટ ચહેરો ખાસ ધ્યાન ખેંચી રહ્યું છે. જોકે ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે.
બીજી તરફ ભાજપની છાવણીમાં પણ અનેક મોટા નામોની ચર્ચા ચાલી રહી છે. ઉત્તર પ્રદેશની રાજ્યસભા બેઠકો માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, વરુણ ગાંધી અને અન્ય નેતાઓના નામ ચર્ચામાં હોવાના અહેવાલો છે. ભાજપ પોતાના ઉમેદવારોની પસંદગીમાં પ્રાદેશિક અને સામાજિક સમીકરણોને પણ ધ્યાનમાં લઈ રહ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. સમાજવાદી પાર્ટીની તરફથી પણ માત્ર એક નામની ચર્ચા નથી. ધનરાજ નથવાણી સાથે પાર્ટીના વરિષ્ઠ નેતા રામગોપાલ યાદવ અને પૂર્વ અમલદાર આલોક રંજનના નામ પણ ચર્ચામાં હોવાના અહેવાલો છે. એટલે ઉમેદવારીની અંતિમ યાદી જાહેર થાય ત્યાં સુધી રાજકીય સસ્પેન્સ યથાવત રહેશે.
આ ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા પણ સામાન્ય ચૂંટણીથી અલગ છે. રાજ્યસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા ધારાસભ્યો મતદાન કરે છે અને સિંગલ ટ્રાન્સફરેબલ વોટ એટલે કે એકલ હસ્તાંતરિત મત પદ્ધતિથી ચૂંટણી યોજાય છે. આ કારણે પક્ષો પાસે રહેલા વધારાના મતો પણ મહત્વપૂર્ણ બની શકે છે. કેટલાક અહેવાલોમાં ક્રોસ-વોટિંગની શક્યતા અને વધારાના મતોને લઈને પણ ચર્ચા થઈ રહી છે.
