
અમદાવાદમાં છેલ્લા ધણા સમયથી વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણ સામે સતત સખ્ત કાર્યવાહી થઈ રહી છે, ત્યારે હવે વટવામાં પણ આ કામગીરી AMC દ્વારા કરવામાં આવી રહી છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલ વાનરવટ તળાવ પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર દબાણો સામે મેગા ડિમોલિશન હાથ ધરાયું છે. વટવા વિસ્તારના આવેલા તળાવના વિકાસ માટે કુલ ચાર ફેઝમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મળતા અહેવાલ પ્રમાણે વટવાના વાનરવટ તળાવ નૈયા મયંક સીઝનેબલ સ્ટોર નજીકથી દબાણો હટાવવાની શરૂઆત કરાઈ હતી. ફિરદોસ મસ્જિદ સહિત બે ધાર્મિક સ્થળોને બાદ રાખીને કાર્યવાહી ચાલી રહી છે.
વહેલી સવારથી શરૂ કરાયેલ આ અભિયાનમાં 12 હિટાચી અને 4 જેસીબી મશીનોનો ઉપયોગ થયો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 500 પોલીસકર્મી અને AMCના 300 અધિકારી-કર્મચારીઓ મેદાનમાં તૈનાત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, કોઈ અનિચ્છનિય બનાવ ના બેને તે હેતુસર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
AMC દ્વારા આ સમગ્ર કામગીરીને વ્યવસ્થિત રીતે ચાર તબક્કામાં વહેંચવામાં આવી છે. ડિમોલિશનનો પ્રારંભ નૈયા મયંક સીઝનેબલ સ્ટોર પાસે રહેલા દબાણો હટાવીને કરવામાં આવ્યો હતો. ફિરદોસ મસ્જિદ સહિતના બે મુખ્ય ધાર્મિક સ્થાનો સિવાયના તમામ ગેરકાયદે બાંધકામોને જમીનદોસ્ત કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. દબાણો દૂર થયા બાદ આ તળાવને સરકારના પ્રોજેક્ટ હેઠળ ડેવલપ કરવામાં આવશે, જેથી ભૂગર્ભ જળ સ્તરમાં વધારો થાય અને આસપાસના રહીશોને સુંદર પર્યાવરણ મળી રહે.
તળાવ વિકાસ પ્રોજેક્ટને વેગ
રાજ્ય સરકાર અને કોર્પોરેશન હસ્તગત આવેલા તળાવોને પ્રદૂષણ અને દબાણમુક્ત કરવાનું આયોજન ચાલી રહ્યું છે. વટવા વિસ્તારમાં થયેલું આ ડિમોલિશન છેલ્લા કેટલાક સમયમાં શહેરના દક્ષિણ વિસ્તારમાં કરવામાં આવેલી સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવે છે. વહેલી સવારથી શરૂ થયેલા બુલડોઝરના પંજાએ વર્ષો જૂના દબાણોને ધરાશાયી કરી દીધા હતા.
