
અમદાવાદના સરદારનગરના બળિયાદેવનગરમાં એએમસી અને પોલીસની ટીમે વિશાળ ડિમોલેશન કામગીરી હાથ ધરી. બળિયાદેવનગર, ભરવાડવાસ, શિવશક્તિનગર અને શર્માજીની ચાલીમાં કુલ 150 જેટલા ગેરકાયદેસર બંધાયેલા કાચા-પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા.
તોડફોડ પહેલાં સ્થાનિકોએ પોતાના મકાનો ખાલી કરી લીધા હતા, જેથી કોઈ જાનહાનિ ન થાય. ડિમોલેશન દરમિયાન પોલીસની હાજરી રહતાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવાયું. સ્થાનિક લોકો દ્વારા આ પગલાને મિશ્ર પ્રતિભાવ મળ્યા છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ સરદારનગર વોર્ડમાં આવેલ કમલ તળાવ એટલે કે ઉમલા તલાવડીની જમીન પર ગેરકાયદેસર બનેલા એકમો અને દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
સ્થાનિક પોલીસની હાજરીમાં તંત્રએ ઘર પર બુલડોઝર ફેરવતા સ્થાનિકો ચોધાર આંસુએ રડી પડ્યા હતા. મહિલા, બાળકો, વૃદ્ધો નજર સામે ઘર તૂટતાં જોઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. સ્થાનિકોની માંગ છે કે સરકાર ઘર તોડી રહી છે તો તેમને રહેવા માટે બીજી વ્યવસ્થા કરવામાં આવે. તળાવની આસપાસ કુલ 150 ઘર તોડવામાં આવ્યા છે. જોકે આ વિસ્તારમાં આવેલું ખોડિયાર માતાનું મંદિર હાલ પૂરતું તોડવામાં આવશે નહીં.
ડિમોલિશન દરમિયાન એક ખાસ દબાણ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું
મંદિરની બાજુમાં આવેલો એક વિશાળ, બે માળનો બંગલો, જેને તળાવ વિસ્તારનું સૌથી મોટું ગેરકાયદેસર બાંધકામ ગણવામાં આવતું હતું. સ્થાનિકના જણાવ્યા અનુસાર કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ બંગલાને તોડવામાં કોર્પોરેશનના દળને સવિશેષ મહેનત કરવી પડી હતી. જોકે, કમલા તલાવડી વિસ્તારમાં આવેલું ખોડિયાર માતાનું મંદિર હાલ પૂરતું તોડવાનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશને લીધો નથી. તળાવના વિસ્તારમાં આ મંદિર યથાવત્ રાખવામાં આવશે અને તેના ડિમોલિશનની કાર્યવાહી હાલ મુલતવી રાખવામાં આવી છે.
