
દિલ્હી પોલીસે અભિજીત દીપકે, સૌરભ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત કરી છે. નોંધપાત્ર વાત એ છે કે, પોલીસે તેઓ ફ્લાઇટમાંથી નીચે ઉતરે તે પહેલાં જ તેમની અટકાયત કરી લીધી હતી.
જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શન પહેલાં અભિજીત દીપકે દિલ્હી પહોંચતાં જ તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. તેઓ સવારે લગભગ 10:30 વાગ્યે દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાં એરપોર્ટની બહાર નીકળે તે પહેલાં જ તેમને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત CJPના પ્રવક્તા સૌરવ દાસ અને આશુતોષ રંકાને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
CJPના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. યુટ્યુબર ધ્રુવ રાઠીને પણ અગાઉથી જ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે CJP જંતર-મંતર પર મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવાની છે.
આ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને સરકારે સુરક્ષાની કડક વ્યવસ્થા કરી છે. દિલ્હી આવતી મેલ અને એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે. અનેક મોટી ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. 45 મેટ્રો સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં હજારોની સંખ્યામાં સુરક્ષાકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા છે.
CJPની લીગલ ટીમનાં પ્રમુખને પણ કસ્ટડીમાં લેવાયાં
કોકરોચ જનતા પાર્ટીની કાનૂની ટીમનાં પ્રમુખ રત્ના સિંહને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યાં છે. આ અંગે તેમણે કહ્યું, “મને પોલીસે કસ્ટડીમાં લીધો છે, પરંતુ કસ્ટડીમાં લેવાનું કારણ જણાવવામાં આવ્યું નથી.
દેશની રાજધાનીમાં સુરક્ષાની કડક વ્યવસ્થા
CJPના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને સમગ્ર રાષ્ટ્રીય રાજધાનીમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. આ પહેલાં દિલ્હી પોલીસે સુરક્ષાનાં કારણો અને પ્રક્રિયાગત આવશ્યકતાઓનો હવાલો આપીને આ વિરોધ પ્રદર્શનને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો.
પોલીસે સાવચેતીના ભાગરૂપે અટકાયતની કાર્યવાહી તેજ કરી છે. પ્રદર્શનકારીઓને વિરોધ પ્રદર્શનના સ્થળ સુધી પહોંચતા રોકવા માટે વ્યૂહાત્મક સ્થળોએ સુરક્ષાકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં પોલીસે નવી દિલ્હી વિસ્તારમાં અલગ-અલગ સ્થળોએથી લગભગ 150 પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લીધા છે.
