Site icon Time News

મુન્દ્રામાં દિલ્હી NCB ત્રાટકી, 182 કરોડનું કેપ્ટાગોન ડ્રગ્સ જપ્ત, અમિત શાહે પાઠવ્યા અભિનંદન

Oplus_131072

ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા મુન્દ્રા બંદર પરથી દેશની એન્ટી-ડ્રગ્સ એજન્સીઓએ એક મોટી સફળતા મેળવી છે. વાસ્તવમાં દિલ્લીની નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં અંદાજે 182 કરોડ રૂપિયાની કિંમતનું પ્રતિબંધિત કેપ્ટાગોન ડ્રગ્સ ઝડપાયું છે. અહીં સૌથી મોટી વાત એ છે કે, ભારતમાં પહેલીવાર આ પ્રકારનું કેપ્ટાગોન ડ્રગ્સ સત્તાવાર રીતે જપ્ત કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

પ્રાથમિક માહિતી મુજબ સિરિયાથી ઉનના કન્સાઇનમેન્ટ તરીકે મોકલાયેલા એક કન્ટેનરમાં શંકાસ્પદ સામાન હોવાની માહિતીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કન્ટેનરમાંથી કુલ 196.2 કિલોગ્રામ કેપ્ટાગોન ડ્રગ્સ મળી આવ્યું, જેને આંતરરાષ્ટ્રીય સ્તરે અત્યંત ખતરનાક નશીલા પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે.

તપાસ એજન્સીઓ માને છે કે, આ નશીલો જથ્થો આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સાથે જોડાયેલો હોઈ શકે છે. ડ્રગ્સ કોણે મોકલ્યું હતું અને તેનો અંતિમ સ્થાન કયું હતું તે મુદ્દે NCB દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર કેસમાં આંતરરાષ્ટ્રીય કડી હોવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ સફળ ઓપરેશન બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને NCB ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે દેશને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે સરકાર અને સુરક્ષા એજન્સીઓ સતત કડક કાર્યવાહી કરી રહી છે અને ભવિષ્યમાં પણ આવા ઓપરેશનો વધુ ઝડપથી હાથ ધરાશે.

Exit mobile version