
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદના તમામ બ્રિજ પર હાલ તાત્કાલિક હાઇટ બેરિયર લગાવવામાં આવશે નહીં તેવો સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના તમામ બ્રીજ પર હાઇટ બેરિયર લગાવવા મુદ્દે એક્સપર્ટના રિપોર્ટ બાદ જ આગળનો નિર્ણય લેવામાં આવશે.
ગુજરાત હાઇકોર્ટ તથા રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં આવેલ તમામ બ્રિજ પર લોડિંગ ક્ષમતા દર્શાવતા ડિઝાઇન કેપેસિટી ઇન્ફોર્મેશન સાઇન બોર્ડ લગાવવાની તેમજ જુના બ્રિજ પર રીસ્ટ્રિક્ટેડ હાઇટ બેરિયર લગાવવાની સૂચનાઓ આપવામાં આવી હતી. આ અનુસંધાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની હદમાં આવેલ તમામ બ્રિજની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી અને ફીઝીબિલિટી આધારે વિગતવાર ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી છે.
અ.મ્યુ.કો. દ્વારા કરવામાં આવી રહેલી આ તપાસમાં દરેક બ્રિજની હાલની સ્થિતિ, તેની રચનાત્મક ક્ષમતા અને સલામતીના ધોરણોનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. હાઇટ બેરિયર લગાવવાનો કોઈપણ નિર્ણય એક્સપર્ટ એજન્સી દ્વારા આપવામાં આવતા રિપોર્ટ અને ભલામણના આધારે જ લેવામાં આવશે. આ ઉપરાંત હાલમાં હાઇટ બેરિયર લગાવવા અંગે કોઈપણ પ્રકારની એજન્સીની નિમણૂક કરવામાં આવી નથી.
રાજ્ય વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગની સૂચનાઓ તથા માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબશ્રી દ્વારા પ્રોજેક્ટ રિવ્યુ મીટિંગમાં આપવામાં આવેલા દિશાનિર્દેશોના અનુસંધાને આ સમગ્ર પ્રક્રિયા અમલમાં છે. હાલમાં બ્રિજ એક્સપર્ટ સાથે પરામર્શ ચાલી રહી છે અને આ પરામર્શ પૂર્ણ થયા બાદ જ હાઇટ બેરિયર લગાવવાની બાબતે યોગ્ય અને અંતિમ નિર્ણય લેવામાં આવશે.
અ.મ્યુ.કો. દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, શહેરના બ્રિજોની સલામતીને ધ્યાનમાં રાખીને કોઈપણ પગલું ટેકનિકલ તપાસ અને નિષ્ણાતોની સલાહ બાદ જ લેવામાં આવશે.

