
ભાવનગર શહેરના એસ.ટી. બસ સ્ટેન્ડ પર બે દિવસ પહેલાં એક અત્યંત ચોંકાવનારી ઘટના બની હતી. ફૈઝલ ઉર્ફે ખાટકી લાખાણી નામના શખ્સે તેની પ્રેમિકા કાજલ બારૈયાને જાહેરમાં બેરહેમીથી ઢોર માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા, જેમાં આરોપીની ક્રૂરતા સ્પષ્ટપણે જોઈ શકાતી હતી. જાહેરમાં થયેલા આ ગંભીર અને જીવલેણ હુમલા બાદ કાજલને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન જ તેનું કરુણ મોત નીપજ્યું હતું.
આ સમગ્ર ઘટના બસ સ્ટેન્ડના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. બનાવ સમયે આસપાસના લોકો મુકપ્રેક્ષક બનીને જોતા રહ્યા હતા. ઘટના બાદ ગંભીર રીતે ઘવાયેલા કાજલબેનને 108 એમ્બ્યુલન્સ મારફતે સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
નીલમબાગ પોલીસની ત્વરિત કાર્યવાહી અને ધરપકડ
બસ સ્ટેન્ડ જેવા જાહેર અને સતત ભીડભાડવાળા સ્થળે બનેલી આ હત્યાની ઘટનાના પગલે સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને નીલમબાગ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. પોલીસે હત્યા કરનાર આરોપી ફૈઝલ લાખાણીની ગણતરીના સમયમાં જ ધરપકડ કરી લીધી હતી અને તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી શરૂ કરી હતી.
આવા ગંભીર ગુનાઓ આચરતા ગુનેગારોમાં કાયદાનો ડર ઊભો થાય તે હેતુથી આજે નીલમબાગ પોલીસે આરોપી ફૈઝલનું ઘટનાસ્થળે જઈને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસ આરોપીને એસ.ટી. બસ સ્ટેન્ડ પર તે જ સ્થળે લઈ ગઈ હતી જ્યાં તેણે કાજલ પર હુમલો કર્યો હતો. પોલીસે આરોપીને કાયદાનું કડક ભાન કરાવતા જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો. પોલીસ દ્વારા આરોપીની થયેલી આ ‘જાહેરમાં સરભરા’થી લોકોમાં સુરક્ષાની ભાવના અને કાયદા પ્રત્યેનો વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે.
