Site icon Time News

રાજકોટ ચકચારી લૂંટ અને હત્યા કેસમાં ગણતરીના કલાકોમાં ક્રાઈમ બ્રાન્ચે ભેદ ઉકેલ્યો, રાજસ્થાનથી 9 આરોપીઓની ધરપકડ

રાજકોટના આજી જીઆઈડીસી વિસ્તારમાં બનેલી ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ હતી. આજી વસાહત વિસ્તારમાંથી પસાર થઈ રહેલા તનવી ગોલ્ડના કર્મચારીને ત્રણથી ચાર લૂંટારુઓએ આંતરી ફાયરિંગ કરી લૂંટ ચલાવી હતી. કર્મચારીને છાતીના ભાગે ગોળી મારતા મોત નિપજ્યું હતું. 

આ ઘટનાના નવા CCTV પણ સામે આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના રાજકોટ પ્રવાસ અગાઉ જ પોલીસ પ્રશાસન હરકતમાં આવ્યું હતું. પોલીસ કમિશનર અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો દ્વારા ખાસ 3 અલગ-અલગ ટીમો બનાવીને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ભયાનક ગુના પાછળ પરપ્રાંતિય શખ્સોની ગેંગ સક્રિય હતી. એટલું જ નહીં, આ લૂંટ અને હત્યાને અંજામ આપવા માટે ચોક્કસ માહિતી આપનાર શખ્સની પણ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારના નવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે આરોપીઓની અવરજવર અને ગુનાની પદ્ધતિ સ્પષ્ટ થઈ છે.

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તમામ આરોપીઓને રાજસ્થાનથી દબોચી લેવામાં આવ્યા છે અને હાલ તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં આ કેસની વધુ તપાસમાં કેટલાક વધુ ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે. ટૂંક સમયમાં જ પોલીસ દ્વારા આ મામલે એક સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ યોજીને તમામ વિગતો જાહેર કરવામાં આવશે.

Exit mobile version