
રાજકોટની MG હોસ્ટેલમાં ભોજનમાંથી જીવડા નીકળ્યાનો વિવાદ હવે વકર્યો છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ધરણા પ્રદર્શન શરૂ કર્યા છે. રાજકોટની એમ.જી. હોસ્ટેલમાં પીરસવામાં આવતી દાળમાંથી જીવડા નીકળવાનો ગંભીર આરોપ સામે આવતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે. આ ઘટનાને પગલે 250 થી વધુ વિદ્યાર્થીઓ ભોજનનો બહિષ્કાર કરીને ધરણા પર બેસી ગયા છે. ઘટનાની જાણ થતાં જ એન.એસ.યુ.આઈ. (NSUI) નેતાઓ અને સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
વિદ્યાર્થીઓનો ગંભીર આરોપ છે કે હોસ્ટેલમાં વારંવાર અખાદ્ય અને જીવાતવાળું અશુદ્ધ ભોજન પીરસવામાં આવે છે, જેથી મેસ કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક રદ કરવામાં આવે. વિરોધમાં જોડાયેલા NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ વિદ્યાર્થીઓના સમર્થનમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. બીજી તરફ, ઘટનાની ગંભીરતા જોઈને જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ કલ્યાણ નિયામક આનંદબા ખાચર પોતે હોસ્ટેલ ખાતે તપાસ માટે પહોંચ્યા હતા. તપાસ બાદ તેમણે વિદ્યાર્થીઓના તમામ આરોપોને ફગાવી દેતા જણાવ્યું હતું કે દાળ કે રસોઈમાંથી કોઈ જીવાત મળી આવી નથી, પરંતુ લાઈટના કારણે ઉપરથી ઉડીને જીવાત પડી હોવાની શક્યતા છે.
અધિકારીના આવા લુલા બચાવથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠનોમાં અસંતોષ વધુ ઘેરો બન્યો છે. આ વિવાદથી હોસ્ટેલોમાં પીરસાતા ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા પર મોટા પ્રશ્નાર્થો સર્જાયા છે. જો તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર સામે યોગ્ય કડક કાર્યવાહી નહીં કરવામાં આવે, તો આગામી દિવસોમાં આ વિરોધ વધુ ઉગ્ર રૂપ ધારણ કરી શકે છે. આ હોસ્ટેલનું સંચાલન રાજ્યના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા કરવામાં આવે છે, તેમ છતાં વિદ્યાર્થીઓને પૌષ્ટિક અને સ્વચ્છ ખોરાક પૂરો પાડવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. આજે વિદ્યાર્થીઓએ વિરોધ દર્શાવીને ભોજન ન લેતાં હોસ્ટેલ પરિસરમાં ભારે ચર્ચા જાગી છે. વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ત્વરિત ખોરાકના સેમ્પલ લેવામાં આવે અને બેદરકાર કોન્ટ્રાક્ટર સામે દંડાત્મક કાર્યવાહી કરી તેનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે.
