
દિલ્હીના જંતર-મંતર પર થયેલા વિરોધ પ્રદર્શન બાદ કોકરોચ જનતા પાર્ટીએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગને લઈને કેન્દ્ર સરકાર સામે ભારે આક્રમક વલણ અપનાવ્યું છે. સંગઠને સરકારને સ્પષ્ટ શબ્દોમાં 7 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. CJP એ ચેતવણી આપી છે કે જો નિર્ધારિત સમયમાં તેમની માંગ પૂરી કરવામાં નહીં આવે, તો આ વિરોધ પ્રદર્શનને દેશના ખૂણે-ખૂણે વિસ્તારીને મોટું જનઆંદોલન બનાવવામાં આવશે. જંતર-મંતરના પ્રદર્શન બાદ સંગઠનના નેતાઓએ દાવો કર્યો છે કે આ આંદોલન માત્ર દિલ્હી પૂરતું સીમિત નથી, પરંતુ દેશના અસંખ્ય રાજ્યોના યુવાનો આ લડાઈમાં તેમની સાથે સીધા જોડાયેલા છે.
નવી દિલ્હીમાં યોજાયેલા વિરોધ પ્રદર્શન બાદ આયોજિત એક પત્રકાર પરિષદમાં કોકરોચ જનતા પાર્ટીના પ્રવક્તા આશુતોષ રાંકા અને સૌરવ દાસે મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે દાવો કર્યો કે આ આંદોલન માત્ર એક દિવસનો સાંકેતિક વિરોધ નથી, પરંતુ દેશના વિદ્યાર્થીઓ અને યુવાનોના વ્યાપક અધિકારો માટેની એક મોટી ક્રાંતિની શરૂઆત છે.
દેશભરમાં આંદોલનોની ચીમકી
પ્રવક્તા આશુતોષ રાંકાએ સરકારને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર પાસે હવે આ મુદ્દે વિચારવા માટે માત્ર 7 દિવસનો સમય છે. જો આ સમયગાળામાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે, તો સમગ્ર દેશમાં અત્યંત મોટા પાયે શાંતિપૂર્ણ પ્રદર્શનો શરૂ કરવામાં આવશે. દેશના વિવિધ રાજ્યોમાંથી યુવાનો સતત અમને સમર્થનના મેસેજ મોકલી રહ્યા છે અને તેઓ પોતાનો અવાજ બુલંદ કરવા માટે સંપૂર્ણ તૈયાર છે.
