
અમદાવાદ શહેરમાં ફરી એકવાર ફૂડ સેફ્ટીને લઈને ચિંતાજનક ઘટના સામે આવી છે. શહેરના પોલિટેકનિક ચાર રસ્તા અને આઈઆઈએમ રોડ વિસ્તારમાં આવેલી જાણીતી ફૂડ ચેઇન છાસવાલા સામે ગ્રાહકે ગંભીર આક્ષેપ કર્યો છે. ગ્રાહક દ્વારા મંગાવવામાં આવેલા અંજીર મિલ્ક શેકમાંથી વંદો નીકળતા હંગામો મચ્યો હતો.
માહિતી મુજબ, ગ્રાહકે ઓનલાઈન ઓર્ડર દ્વારા અંજીર શેક મંગાવ્યો હતો. શેક પીતા દરમિયાન તેમાં વંદો દેખાતા ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો. આ ઘટનાથી ગ્રાહકમાં ભારે રોષ ફેલાયો હતો અને તેણે તરત જ આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ વિભાગમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.
ગ્રાહકે જણાવ્યું હતું કે, “ખાદ્ય પદાર્થોમાં આવી બેદરકારી સીધી લોકોના આરોગ્ય સાથે ચેડાં સમાન છે. જાણીતી બ્રાન્ડ પાસેથી આવી અપેક્ષા નહોતી.”
તાજેતરમાં અમદાવાદમાં ફૂડ ક્વોલિટી અને હાઈજિનને લઈને અનેક ફરિયાદો સામે આવી રહી છે. ત્યારે આ નવી ઘટનાએ ફરી એકવાર શહેરના ફૂડ આઉટલેટ્સની સ્વચ્છતા અને ગુણવત્તા પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે.AMCના ફૂડ વિભાગ દ્વારા ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો બેદરકારી સાબિત થશે તો સંબંધિત દુકાન સામે કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે.શહેરવાસીઓએ પણ બહારથી ખાદ્ય વસ્તુઓ મંગાવતા પહેલાં સાવચેતી રાખવાની જરૂરિયાત વ્યક્ત કરી છે.
